પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ઓટોમેશનનને કારણે આઇટી ક્ષેત્રમાં આશરે 3 મિલિયન નોકરીઓ સામે જોખમ ઉભું થશે તેવા અહેવાલનો જવાબ આપતા ભારતના આઇટી ક્ષેત્રના સંગઠન નાસકોમે જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતની ટોચની પાંચ આઇટી કંપનીઓ રોજગારીની નવી 96,000 તકનું સર્જન કરશે.

નાસકોમે જણાવ્યું હતું કે “ટેકનોલોજીના વિકાસ અને ઓટોમેશનમાં વૃદ્ધિ સાથેની સાથે પરંપરાગત આઇટી નોકરીઓ અને ભૂમિકાઓ વિકસિત થશે, જેનાથી નવી નોકરીઓનું સર્જન થશે. આઇટી ક્ષેત્રે કુશળ પ્રતિભા ક્ષેત્રમાં સૌથી વધુ નોકરી આપી છે અને નાણાકીય વર્ષ 2021 માં 1,38,000 લોકોને નોકરી આપી છે અને 2021-22 માટેની પણ ભરતીની યોજના મજબૂત છે. નાસકોમે ભારપૂર્વક જણાવ્યું હતું કે આઇટી કંપનીઓ માટે નાણાકીય વર્ષ 2021-22માં, 96,000 વધુની ભરતી માટે એક મજબૂત યોજના તૈયાર કરવામાં આવી છે.

નાસકોમે જણાવ્યું હતું કે આઇટી ઉદ્યોગ આશરે 250,000 કર્મચારીઓની ડિજિટલ સ્કીલમાં વધારો કરી રહી છે અને ડિજિટલ ટ્રેનિંગ સાથેના નવા 40,000 લોકોની ભરતી કરી છે.