ભારત સરકાર આ વર્ષના અંત સુધીમાં વિવિધ નેશનલ હાઇવેને સંપૂર્ણ ખાડામુક્ત કરવાની નીતિ બનાવી રહી છે. પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ તાજેતરમાં જણાવ્યું હતું કે, આવા પ્રોજેક્ટ્સને વધુ સારી રીતે જાળવવા બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર (બીઓટી)ના માધ્યમથી રસ્તાઓના નિર્માણને પ્રાથમિકતા આપવામાં આવી રહ્યું છે. કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય ડિસેમ્બર સુધીમાં તમામ નેશનલ હાઇવેને ખાડામુક્ત બનાવવાના લક્ષ્યાંક સાથે પર્ફોર્મન્સ આધારિત મેન્ટેનન્સ અને ટૂંકા ગાળાના મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટના નિયમો ચુસ્ત બનાવી રહી છે.

સામાન્ય રીતે માર્ગ નિર્માણનું કામ ત્રણ માધ્યમ દ્વારા થાય છે. જેમાં ‌BOT, હાઇબ્રિડ એન્યુઇટી મોડલ (HAM) તેમજ એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન (EPC)નો સમાવેશ થાય છે. ગડકરીએ જણાવ્યું હતું કે, “ઇપીસી હેઠળ બનતા રસ્તાઓમાં ઘણા વહેલા મેન્ટેનન્સની જરૂર પડે છે. જ્યારે BOTમાં રસ્તાનું નિર્માણ સારું થાય છે. કારણ કે કોન્ટ્રાક્ટર જાણે છે કે આગામી ૧૫-૨૦ વર્ષ માટે રોડના મેન્ટેનન્સનો ખર્ચ તેણે જ ભોગવવાનો રહેશે. એટલે અમે મોટી સંખ્યામાં BOT માધ્યમ હેઠળ રોડના નિર્માણનો નિર્ણય લીધો છે.”

તેમણે જણાવ્યું હતું કે, “વરસાદને પગલે હાઇવે પર ખાડા પડી શકે. મંત્રાલય નેશનલ હાઇવેનું ‘સેફ્ટી ઓડિટ’ કરી રહ્યું છે. નેશનલ હાઇવેને ખાડામુક્ત કરવા પોલિસી તૈયાર કરવામાં આવી રહી છે. પ્રોજેક્ટને સફળ બનાવવા યુવા એન્જિનીયર્સ પાસે કામ લેવાશે.” રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે સચિવ અનુરાગ જૈને જણાવ્યું હતું કે, મંત્રાલયે ૧,૪૬,૦૦૦ કિમી.ના તમામ નેશનલ હાઇવેનું મેપિંગ કર્યું છે.

LEAVE A REPLY

eighteen − seventeen =