ભારત અને કેનેડા વિવાદ દરમિયાન હેકર્સે કેનેડાની આર્મીની વેબસાઈટને હેક કરી હોવાનો દાવો કર્યો છે. આ હેકર્સે પોતાનું નામ ઈન્ડિયન સાયબર ફોર્સ જણાવ્યું છે. જો કે આ જૂથને ભારત સાથે કોઈ જ સંબંધ નથી. આ હેકર્સે ટેલિગ્રામ પર હેકિંગની માહિતી આપી છે. એક સ્ક્રીનશોટ પણ પોસ્ટ કર્યા હતા, જેમાં કેનેડા માટે અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નિષ્ણાતોના મતે, આ ડિસ્ટ્રિબ્યુટેડ ડિનાયલ ઓફ સર્વિસ (DDoS) હેકિંગ છે, જેના દ્વારા કેનેડાની સરકારને સંદેશ મોકલવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. DDoS હેકિંગ બહુ ઓછા સમય માટે કરવામાં આવે છે. આ ક્યારેક થોડા કલાકો કે દિવસો માટે જ થાય છે.

ઘણીવાર હેકિંગ ગ્રુપો કોઈ ગંભીર નુકસાન પહોંચાડવાને બદલે માત્ર લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે આવી હરકતો કરે છે. કેનેડાના નેશનલ ડીફેન્સ વિભાગના મીડિયા બાબતોના વડા ડેનિયલ લે બાઉથિલિયરે સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે, 27 સપ્ટેમ્બરે બપોરે વેબસાઇટમાં સમસ્યા જણાઈ હતી. પછી તેમાં સુધારો કરવામાં આવ્યો હતો. જોકે બાઉથિલિયરે વધુ વિગતો આપી ન હતી, તેમણે કહ્યું હતું કે અમારી સીસ્ટમ પર તેની નોંધપાત્ર અસરના કોઈ સંકેત અમારી પાસે નથી. સત્તાધિશો દ્વારા આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.
હેકર્સે એક સપ્તાહ અગાઉ જ એક મેસેજ આપ્યો હતો. તેમણે ટ્વિટ કર્યું હતું કે કેનેડિયન સાયબર સ્પેસમાં ભારતીય સાયબર ફોર્સના હુમલાની શક્તિનો અનુભવ કરવા માટે તૈયાર રહો.

LEAVE A REPLY

9 + sixteen =