ભારતના નાણાપ્રધાન નિર્મલા સીતારામન (ફાઇલ ફોટો)(Photo by PRAKASH SINGH/AFP via Getty Images)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંગળવારે યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં એક નવી નેશનલ બેંક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેંક મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને ફંડ કરવાનું કામ કરશે. નેશનલ બેન્ક ફોર ફાઇનાન્સિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ માટેની આ ડેવલપમેન્ટ ફાઇનાન્સ ઇન્સ્ટીટ્યૂટ 100 ટકા સરકાર માલિકીની હશે. સમય જતાં સરકારનો હિસ્સો ઘટીને 26 ટકા છે.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને સરકારે બજેટમાં જ આ પ્રકારની બેંક બનાવવાની જાહેરાત કરી હોવાની માહિતી આપી હતી. જેને હવે કેબિનેટે પણ મંજૂરી આપી દીધી છે. નાણા વિકાસ સંસ્થા દેશમાં ચાલી રહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને ફંડ કરવાનું કામ કરશે. સરકાર તરફથી 20 હજાર કરોડ રૂપિયાનું પ્રારંભિક ફંડ આપવામાં આવશે.

આ બેંક દ્વારા બોન્ડ બહાર પાડવામાં આવશે અને તે રીતે તેમાં રોકાણ કરવામાં આવશે. આગામી થોડા વર્ષોમાં 3 લાખ કરોડ રૂપિયા ભેગા કરવાની આશા છે. તેમાં રોકાણ કરનારાઓને ટેક્સ બેનિફિટ પણ મળશે. તેમાં મોટા સોવેરિન ફંડ, પેન્શન ફંડ રોકાણ કરી શકે છે.