કન્નડ બ્લોકબસ્ટર ‘કાંતારા: અ લિજેન્ડ-ચેપ્ટર 1’ અને હિન્દી ફિલ્મ ‘તન્વી ધ ગ્રેટ’ સહિત ચાર ભારતીય ફિલ્મો ઓસ્કાર 2026માં બેસ્ટ પિક્ચર કેટેગરીની પ્રારંભિક સ્પર્ધામાં પ્રવેશી છે. આ કેટેગરી માટે કુલ 201 ફીચર ફિલ્મોને વિચારણા માટે લાયક ગણવામાં આવી છે, એવી એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સિસે ગુરુવાર, 8 જાન્યુઆરીએ જાહેરાત કરી હતી.
એકેડેમીએ 98મા એકેડેમી એવોર્ડ્સ માટે પાત્રતા ધરાવતી ફિલ્મોની રિમાઇન્ડર યાદી જારી કરી હતી. આ ફિલ્મો શ્રેષ્ઠ ફિલ્મ સહિત સામાન્ય કેટેગરીમાં વિચારણા માટે પાત્રતાના માપદંડોને પૂરા કરે છે. હવે 22 જાન્યુઆરીએ નોમિનેશનની જાહેરાત થશે.
ઋષભ શેટ્ટીની ‘કાંતારા’ અને અનુપમ ખેરની ‘તન્વી ધ ગ્રેટ’ ઉપરાંત બહુભાષી એનિમેટેડ ફિલ્મ ‘મહાવતાર નરસિંહા’ અને અભિશન જીવિન્થની તમિલ ફિલ્મ ‘ટૂરિસ્ટ ફેમિલી’નો પણ સમાવેશ કરાયો છે. રાધિકા આપ્ટે અભિનીત ‘સિસ્ટર મિડનાઈટ’એ પણ આ યાદીમાં સ્થાન મેળવ્યું છે. હિન્દી ભાષાની આ ફિલ્મ યુકે-ભારતના સહ-નિર્માણમાં બનેલી છે.
એકેડેમીએ જણાવ્યું હતું કે કુલ 317 ફીચર ફિલ્મોને 98મા એકેડેમી એવોર્ડ માટે લાયક ગણવામાં આવી છે. આમાંથી 201 ફિલ્મ બેસ્ટ પિક્ચર કેટેગરીમાં વિચારણા માટે જરૂરી વધારાની પાત્રતા પૂર્ણ કરે છે. આ રીમાઇન્ડર યાદીમાં સમાવેશ થવાથી નોમિનેશનની ગેરંટી મળતી નથી. ફિલ્મોએ હજુ પણ એકેડેમીની મતદાન પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.
ડિસેમ્બર 2025માં એકેડેમીએ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ સહિત 12 કેટેગરીમાં ઓસ્કાર માટે શોર્ટલિસ્ટ કરાયેલી ફિલ્મોની યાદી જારી કરી હતી. આ વર્ષે એકેડેમી એવોર્ડ્સમાં ભારતની સત્તાવાર એન્ટ્રી નીરજ ઘાયવાનની ‘હોમબાઉન્ડ’ને શોર્ટલિસ્ટ કરાયેલી 15 ફિલ્મોની યાદીમાં સ્થાન મળ્યું હતું.
15 માર્ચે 98મા ઓસ્કાર એવોર્ડ્સમાં કુલ 28 કેટેગરી માટે એવોર્ડ અપાશે. દરેક કેટેગરીમાં પાંચ નોમિનેશન હશે. જોકે બેસ્ટ પિક્ચર કેટેગરી માટે કુલ 10 નોમિનેશન હશે.













