Oliver Dowden new Deputy PM

બુલીઇંગના આરોપો બાદ બ્રિટનના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર ડોમિનિક રાબે તા. 21ને શુક્રવારે રાજીનામુ આપતા બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકને મોટો ફટકો લાગ્યો હતો. વડા પ્રધાન ઋષિ સુનકે તેમના સ્થાને, નવા ડેપ્યુટી પીએમ તરીકે કેબિનેટ ઓફિસ મિનિસ્ટર ઓલિવર ડાઉડેનની વરણી કરી હતી. જ્યારે જુનિયર મિનિસ્ટર એલેક્સ ચાકને રાબના સ્થાને સેક્રેટરી ઑફ સ્ટેટ ફોર જસ્ટિસ તરીકે બઢતી આપી હતી. સુનકના નવા રાજકીય સાથીદાર ડાઉડેનને વધુ કટ્ટરપંથી તરીકે જોવામાં આવે છે અને તેઓ ઉત્સાહી સંસ્કૃતિ યોદ્ધા અને ઉત્સાહી થેચરાઈટ છે.

હર્ટ્સમીયરના સાંસદ ડાઉડેને પોતાની વરણી બાદ નિક રોબિન્સનના પોલિટિકલ થિંકિંગ પોડકાસ્ટમાં કહ્યું હતું કે “હું હંમેશા મારી જાતને એક રાષ્ટ્રના ઉદારવાદી કન્ઝર્વેટિવ તરીકે જોઉં છું.”

ડોમિનિક રાબ પર આરોપ હતો કે વિવિધ સરકારી વિભાગોમાં કેબિનેટ પ્રધાન તરીકે કામ કરતી વખતે તેઓ સ્ટાફના સભ્યો સાથે દાદાગીરી કરતા હતા. સુનકને ગયા ગુરુવારે તા. 20ના રોજ કેટલાક સિવિલ સર્વન્ટ્સ દ્વારા રાબ સામે કરાયેલા આરોપોનો સ્વતંત્ર અહેવાલ સોંપવામાં આવ્યો હતો. જેની નકલ પછીથી ડાઉનિંગ સ્ટ્રીટ દ્વારા બહાર પાડવામાં આવી હતી.

સુનકે રાબનું રાજીનામું સ્વીકારતાં જણાવ્યું હતું કે “ખૂબ જ દુઃખ સાથે મેં તમારું રાજીનામું સ્વીકાર્યું છે. તમે રિપોર્ટમાં કોઈપણ પ્રકારનુ બુલિઇંગ બહાર આવશે તો રાજીનામું આપવાનું કહ્યું હતું અને તે શબ્દ તમે પાળ્યા છે. પરંતુ તે સ્પષ્ટ છે કે ઐતિહાસિક પ્રક્રિયામાં ખામીઓ રહી છે જેણે સામેલ હોય તે દરેક પર નકારાત્મક અસર કરી છે. ભવિષ્યમાં આવી બાબતોને વધુ સારી રીતે કેવી રીતે હેન્ડલ કરવી તે આપણે શીખવું જોઈએ. ગયા વર્ષની કન્ઝર્વેટિવ પાર્ટી લીડરશીપ હરીફાઈ વખતે તમે મારો પરિચય કરાવ્યો ત્યારથી લઇને હરીફાઈના છેલ્લા દિવસ સુધીના તમારા અડગ વ્યક્તિગત સમર્થન માટે હું હંમેશા આભારી રહીશ. ત્યારપછીના સમર્પણ, પ્રતિબદ્ધતા અને વફાદારી સાથે તમે તમારી જવાબદારીઓ નિભાવી છે.’’

ટ્વિટર પર પોસ્ટ કરેલા રાજીનામાના પત્રમાં, રાબે જણાવ્યું હતું કે “હું તપાસના પરિણામને સ્વીકારવા માટે બંધાયેલો છું પણ બે સિવાયના તમામ દાવાઓને ફગાવુ છું. બુલિઇંગ માટેની નીચી સીમાઓ નક્કી કરાઇ છે અને આ તપાસે ખતરનાક દાખલો બેસાડ્યો છે. તે મંત્રીઓ વિરુદ્ધ ખોટી ફરિયાદોને પ્રોત્સાહિત કરશે અને સરકાર પર અસર કરશે.”

રાબે સુનકને જણાવ્યું હતું કે “હું તમારા સમર્થક તરીકે ચાલુ રહીશ. તમે ખૂબ જ પડકારજનક સમયમાં એક મહાન વડા પ્રધાન સાબિત થયા છો, અને તમે બેકબેન્ચમાંથી મારા સમર્થન પર વિશ્વાસ કરી શકો છો.”

સરેના ટોરી સાંસદ રાબ જણાવ્યું હતું કે સ્વતંત્ર તપાસકર્તા એડમ ટોલી, કેસીની સમીક્ષામાં દર્શાવવામાં આવ્યું હતું કે ‘’મેં સાડા ચાર વર્ષમાં એક પણ વખત ગાળ બોલી નથી કે કોઈની સામે બૂમો પાડી નથી, કંઈ ફેંક્યું નથી અથવા અન્યથા કોઈને શારીરિક રીતે કે ઈરાદાપૂર્વક ધમકાવ્યા કે કોઈને નીચું બતાવવાની કોશિશ કરી નથી.’’

ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીના કાયદાના સ્નાતક રાબે કહ્યું હતું કે “ન્યાય મંત્રાલયમાં લાવેલી ગતિ, ધોરણો અને પડકારના પરિણામે કોઈપણ અધિકારીઓને લાગેલા કોઈપણ અણધાર્યા તણાવ અથવા ગુના માટે હું ખરેખર દિલગીર છું.’’

વડા પ્રધાન બનવાની ઝુંબેશમાં સુનકનો પક્ષ લેનાર રાબને તેમની કેબિનેટમાં એક નહીં પરંતુ બે પ્લમ પોસ્ટ્સથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. ઓક્સફોર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીના કાયદાના સ્નાતક રાબે રાજકીય કારકિર્દી શરૂ કરતા પહેલા સોલિસિટર તરીકે કામ કર્યું હતું. તેઓ ફ્રન્ટલાઈન કન્ઝર્વેટિવ સાંસદોમાંના એક હતા.

ડાઉનિંગ સ્ટ્રીટે કહ્યું હતું કે ‘’ગયા વર્ષે ઓક્ટોબરમાં રાબની નિમણૂક કરાઇ તે વખતે સુનકને રાબ સામેની કોઈપણ ઔપચારિક ફરિયાદો અંગે “જાણકારી” ન હતી. જો કે, વિપક્ષી લેબર પાર્ટીએ સુનક પર રાબના વર્તન અંગેના અહેવાલોને અવગણવાનો આરોપ લગાવ્યો હતો.

લેબર નેતા સર કેર સ્ટાર્મરે કહ્યું હતું કે ‘’આ રાજીનામુ વડા પ્રધાન સુનકની “સતત નબળાઈ” દર્શાવે છે. રાબની આવા પ્રથમ સ્થાને ક્યારેય નિમણૂક ન કરવી જોઈએ અને વડા પ્રધાને તેમને બરતરફ કરવા જોઈએ.

LEAVE A REPLY

five × five =