અમેરિકન એડમિનિસ્ટ્રેશને H-1 B વિઝાની સીસ્ટમમાં કેટલાક પરિવર્તન કર્યા છે. નવા ફેરફાર મુજબ વિદેશી પ્રોફેશનલ્સને હવે સ્કિલ અને પગારના આધારે વિઝા આપવામાં આવશે. અત્યાર સુધી લોટરી સીસ્ટમ અંતર્ગત તેમને વિઝા આપવામાં આવતા હતા. આ નવી સીસ્ટમનો અમલ ૧ એપ્રિલથી કરવામાં આવશે.
ભારત સહિતના દેશોના ઇન્ફર્મેશનલ ટેકનોલોજી ક્ષેત્રના પ્રોફેશનલ્સમાં જેની ખૂબ માગ છે તેવા H-1 B વિઝા કેટેગરીમાં અમેરિકાએ સુધારો કર્યો છે. પ્રેસિડેન્ટ ટ્રમ્પનો કાર્યકાળ પૂર્ણ થઇ રહ્યો છે ત્યારે આ મહત્વનું પરિવર્તન થઇ રહ્યું છે અને હવે H-1 B વિઝા માટે લોટરીના આધારે નહીં, પરંતુ સ્કિલ અને પગારના આધારે પસંદગી થશે.
અમેરિકન સરકારના નોટિફિકેશન પ્રમાણે અમેરિકન યુવાનોના હિતને ધ્યાનમાં રાખીને નવો સુધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી તમામ અરજી આવ્યા પછી લોટરી સીસ્ટમથી વિદેશી પ્રોફેશનલ્સને વિઝા આપવામાં આવતા હતા.
અમેરિકન સિટિજનશીપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસના ડેપ્યુટી ડાયરેક્ટર જોસેફ એડલોએ જણાવ્યું હતું કે, H-1 B વિઝાની કેટેગરીનો અમેરિકન કંપનીઓ દુરુપયોગ કરે છે. સામાન્ય રીતે અમેરિકન કંપનીઓ તેમના જુનિયર પ્રોફેશનલ્સ ભરવા માટે અને કંપનીઓનો ખર્ચ ઘટાડવા માટે જ આ કેટેગરીનો ઉપયોગ કરે છે. નવી સીસ્ટમથી વિદેશના પ્રોફેશનલ્સ અને હોંશિયાર નાગરિકોનો અમેરિકાને લાભ મળશે અને કંપનીઓએ પણ વિદેશી પ્રોફેશનલ્સની સર્વિસ માટે મોટું બજેટ રાખવું પડશે.
બીજી તરફ ઇન્ડિયન અમેરિકન સમૂદાયે પદનામિત પ્રેસિડેન્ટ જો બિડેનને રજૂઆત કરી છે કે H-1 B વિઝા પર ટ્રમ્પે મુકેલા પ્રતિબંધો હટાવે અને સરળ સીસ્ટમ બનાવે.