બ્રિટનમાં કોરોના વાઇરસ નિયંત્રણ બહાર થયો છે. શુક્રવારે એક દિવસમાં 1325 લોકો દર્દીઓનું સંક્રમણના કારણે મૃત્યુ થયું છે. લંડનના મેયર દ્વારા સંક્રમણને મહત્વની ઘટના જાહેર કરીને શહેરની હોસ્પિટલ્સને ચેતવણી આપી છે કે તેમના પર દર્દીઓનું ભારણ વધી શકે છે, તેથી તેઓ તૈયાર રહે. ઝડપથી ફેલાતા વાઇરસના નવા સ્વરૂપને કારણે વડાપ્રધાન બોરિસ જોન્સને અગાઉથી જ લોકડાઉન કરવાનો આદેશ આપ્યો હતો. બીજી તરફ રસીકરણની ઝડપ વધારવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે, જેથી મહામારીને કાબૂમાં લઇ શકાય. વિશ્વમાં કોરોનાને કારણે જીવ ગુમાવનાર દર્દીઓની સંખ્યાના મુદ્દે બ્રિટન પાંચમા નંબરે છે. મહામારી શરૂ થયા પછી અહીં 79,833 લોકો સંક્રમણથી મૃત્યુ પામ્યા છે. એપ્રિલમાં એક જ દિવસમાં 1224 મૃતકો નોંધાયા પછી 8 જાન્યુઆરીએ 1325 સૌથી વધુ મૃત્યુ નોંધાયા હતા.
શુક્રવારે બ્રિટનમાં કોવિડ-19ના 68,053 કેસ નોંધાયા હતા. આ રીતે 6.7 કરોડની વસ્તી ધરાવતા બ્રિટનમાં કોરોનાનો ભોગ બનનાર દર્દીઓની સંખ્યા અંદાજે 30 લાખ સુધી પહોંચી છે.
લંડનના મેયર સાદિક ખાને જણાવ્યું હતું કે, થોડા દિવસોમાં જ શહેરની હોસ્પિટલ્સ કોરોનાના દર્દીઓથી ભરાઇ જાય તેવી શક્યતા છે. કારણ કે, આ વાઇરસનો ફેલાવો બેકાબૂ થઇ રહ્યો છે. વાઇરસનું આપણા શહેરમાં ઊભું થયેલું જોખમ કટોકટીના એક મુદ્દા પર છે. મેયર દ્વારા સંક્રમણને મહત્વની ઘટના જાહેર કરવામાં આવી છે. જ્યારે કોઇ ગંભીર દુર્ઘટના અથવા મહામારી જેવી સ્થિતિ ઊભી થાય છે ત્યારે ‘મહત્ત્વની ઘટના’
જાહેર કરવામાં આવે છે. જેનો અર્થ એવો થાય છે કે, આ ઘટનાથી માનવ જીવન અથવા તેના કલ્યાણ, જરૂરી સેવાઓ, પર્યાવરણ અને રાષ્ટ્રીય સુરક્ષાને ગંભીર જોખમ અથવા તેનાથી અવરોધ ઊભો થવાની સંભાવના હોય છે.