વ્હાઇટ હાઉસે શુક્રવારે જાહેરાત કરી છે કે, પ્રેસિડેન્ટ જો બાઇડેને લોસ એન્જલસના મેયર એરિક ગાર્સેટીની ભારતના એમ્બેસેડર તરીકે અને બેલ્જિયમના ભૂતપૂર્વ એમ્બેસેડર અને બાઇડેનના અગ્રણી દાતા ડેનિસ બૌરની ફ્રાંસના એમ્બેસેડર તરીકે નિમણૂક કરવાનું આયોજન કર્યું છે.
ગાર્સેટી વર્ષ 2013થી મેયર છે અને બાઇડેનના કેમ્પઇન દરમિયાન તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે કેમ્પેઇનના રાષ્ટ્રીય અધ્યક્ષ અને વાઇસ પ્રેસિડેન્સિયલ વેટિંગ ટીમના સહ-અધ્યક્ષ તરીકે કામ કર્યું હતું. મેયર પોતાને પ્રેસિડેન્ટ પદ માટે વિચારતા હતા અને તેમને કેબિનેટમાં સ્થાન મેળવવા માટેના પ્રથમ દાવેદાર માનવામાં આવતા હતા.
જોકે, તેઓ અત્યારે લોસ એન્જલસમાં વિવાદોમાં ઘેરાયેલા છે. ગાર્સેટીના એક ભૂતપૂર્વ સહયોગી રિક જેકબ્સ પર તેમના કાર્યકાળ દરમિયાન ઓફિસમાં શારીરિક શોષણનો આરોપ મુકવામાં આવ્યો છે. અને ગાર્સેટીના ચીફ ઓફ સ્ટાફ એના ગેર્રેરોને લેબર આઇકન ડોલોરેસ હ્યુર્ટાની મજાક કરવા બદલ જુનમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
લોસ એન્જલસના એક પોલીસ અધિકારીએ શહેરમાં કેસ કર્યો છે કે, જેકબ્સે તેને પરેશાન કર્યા હતા અને ગાર્સેટી તેને અટકાવવામાં નિષ્ફળ ગયા હતા. જોકે, જેકબ્સે આ આરોપોને ફગાવ્યા છે, અને ગાર્સેટીએ જણાવ્યું હતું કે, તેમણે આવું કોઇ અયોગ્ય વર્તન જોયું નથી. આવા કૌભાંડોને કારણે સેનેટમાં પાતળી બહુમતીમાં ગાર્સેટીની મંજૂરી મેળવવામાં સમસ્યાઓ ઊભી થઇ શકે છે.
જોકે, આ અંગે વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ શુક્રવારે જણાવ્યું હતું કે, મેયર ગાર્સેટીએ સ્પષ્ટતા કરી છે કે, તેઓ હેરાનગતિના કોઇપણ આરોપનો ખૂબ જ ગંભીરતાથી લે છે અને એ પણ સ્પષ્ટ કર્યું છે કે, તેમની ઓફિસમાં આવા કોઇપણ ગેરવર્તનને તેઓ સ્વીકારશે નહીં. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, તેમણે આવા ગેરવર્તનને ક્યારેય જોયું નથી અને કેસ થયો તે પહેલા તે અંગે ક્યારેય તેમને જણાવવામાં આવ્યું નથી.
પ્રેસિડેન્ટ દ્વારા ફોરેન સર્વિસના કરીઅર મેમ્બર પીટર હાસને બાંગ્લાદેશના એમ્બેસેડર તરીકે નિમણૂક કરવામાં આવશે.