જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન (GI) સર્ટીફાઈડ ભાલિયા જાતના ઘઉંના પહેલા જથ્થાની ગુજરાતથી કેન્યા અને શ્રીલંકાને નિકાસ કરવામાં આવી હતી, એમ કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું. ભાલિયા ઘઉંને જુલાઈ 2011માં જીઆઇ ટેગ મળ્યો હતો. જીએ સર્ટિફિકેશનનું રજિસ્ટ્રેશન આણંદ કૃષિ યુનિવર્સિટીએ કરાવ્યું હતું.

જીઆઈ કાયદા હેઠળ, કોઈ ઉત્પાદનની ઓળખ કોઈ સ્પેશયલ સેક્ટરમાં નિર્મિત કે ઉત્પાદિત વસ્તુ તરીકે કરવામાં આવે છે. તેની એક વિશિષ્ટ ખાસિયાત હોય છે જે તે ભૌગોલિક ક્ષેત્રને કારણે હોય છે. આ એક કાયદાકીય અધિકાર છે, જે હેઠળ જીઆઈ ધારક અન્યોને સમાન નામનો ઉપયોગ કરતા રોકી શકે છે.

મંત્રાલયે જણાવ્યું હતું કે જીઆઈ- સર્ટીફાઈડ ઘઉંમાં પ્રોટીનની માત્રા વધુ હોય છે અને સ્વાદમાં મીઠા હોય છે અને પાક મોટાભાગે ગુજરાતના ભાલ ક્ષેત્રમાં થાય છે, જેમાં અમદાવાદ, આણંદ, ખેડા, ભાવનગર, સુરેન્દ્રનગર, ભરૂચ જિલ્લો સામેલ છે. આ ઘઉંની વિશેષતા એ છે કે તે ઓછા વરસાદ ધરાવતા વિસ્તારોમાં થાય છે.

વર્ષ 2020-21માં ભારતથી ઘઉંની નિકાસ ગયા નાણાકીય વર્ષના 444 કરોડ રૂપિયાની તુલનામાં વધીને 4,034 કરોડ રૂપિયાના થઈ ગયા. ભારતે વર્ષ 2020-21 દરમિયાન સાત નવા દેશો યમન, ઈન્ડોનેશિયા, ભૂતાન, ફિલિપાઈન્સ, ઈરાન, કંબોડિયા અને મ્યાનમારને પૂરતા પ્રમાણમાં અનાજની નિકાસ કરી હતી.