પ્રતિકાત્મક તસવીર (istockphoto)

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ માઇગ્રન્ટ વર્કર્સ માટે એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન ડોક્યુમેન્ટસ (EAD)ના ઓટોમેટિક એક્સટેન્શન સમાપ્ત કરવાનો વચગાળાનો નિયમ જાહેર કર્યો છે. આ નવા નિયમથી ભારતીય સહિત હજારો વિદેશી કામદારોને અસર થવાની ધારણા છે.

બુધવારે એક નિવેદનમાં વિભાગે જણાવ્યું હતું કે જે વિદેશીઓ 30 ઓક્ટોબર, 2025 (ગુરુવાર)ના રોજ અથવા તે પછી તેમના EADને રિન્યૂ કરવા માટે અરજી કરે છે, તેમને હવે તેમના EADનું ઓટોમેટિક એક્સટેન્શન મળશે નહીં.” આનો અર્થ એ છે કે, 30 ઓક્ટોબર પહેલા આપમેળે લંબાવવામાં આવેલા EADને અસર થશે નહીં.
ટ્રમ્પ વહીવટીતંત્રે જણાવ્યું હતું કે નવા નિયમ સાથે જાહેર સલામતી, રાષ્ટ્રીય સુરક્ષાના રક્ષણ માટે વધુ ચકાસણી અને તપાસ” થશે.

આ નવો નિયમ બાઇડન વહીવટીતંત્રની પ્રથાનું સ્થાાન લે છે. બાઇડન સરકારના નિયમ મુજબ ઇમિગ્રન્ટ્સને તેમની વર્ક પરમિટ સમાપ્ત થયા પછી પણ 540 દિવસ માટે યુએસમાં કામ કરવાની મંજૂરી મળતી હતી.
આ નવો નિયમ EAD ધરાવતા ઇમિગ્રન્ટને કામ કરવાની મંજૂરી નહીં આપે, જેમણે પોતાની વર્ક પરમિટની મુદ્દત પૂર્ણ થયા પહેલાં જ વિઝા રિન્યુઅલ માટે અરજી આપી છે.

યુએસ સીટિઝનશીપ ઍન્ડ ઈમિગ્રેશન સર્વિસિઝ(USCIS)ના ડિરેક્ટર જોસેફ એડ્લોએ જણાવ્યું હતું કે, પ્રમુખ ટ્રમ્પના નિર્દેશો હેઠળ તેમની એજન્સી હવે વિદેશી નાગરિકોની તપાસ અને વેરિફિકેશનને નવો આકાર આપી રહી છે. આ પગલું સામાન્ય છે. જેનાથી ખાતરી કરવામાં આવશે કે, કોઈપણ વિદેશી નાગરિકને કામ કરવાની મંજૂરી મળે અને ડૉક્યુમેન્ટ્સ રિન્યુ કરતાં પહેલાં તેની યોગ્ય તપાસ અને સ્ક્રિનિંગ કરવામાં આવે. તમામ વિદેશી નાગરિકોએ યાદ રાખવું પડશે કે, અમેરિકામાં કામ કરવાનો કોઈ અધિકાર નથી, પરંતુ એક વિશેષાધિકાર છે.

EAD એક એવો દસ્તાવેજ છે, જે પ્રવાસી અને શરણાર્થી અરજદારોને અમેરિકામાં કામ કરવા મંજૂરી આપે છે. ગ્રીનકાર્ડ ધારકો અને એચ-1બી, એલ-1 અને O-1 વિઝાધારકોને EADની જરૂર પડતી નથી. પરંતુ અમુક એચ-4 વિઝાધારક જીવનસાથી, ગ્રીનકાર્ડધારક જીવનસાથી, અને એફ-1 વિદ્યાર્થીઓને EADની જરૂર પડે છે. વધુમાં વિઝા રિન્યુઅલની પેન્ડિંગ અરજી ધરાવતા અરજદારોને EAD આપવામાં આવે છે. EAD ધરાવતા મોટાભાગના લોકોને આ નિયમ હેઠળ આવરી લેવામાં આવશે.

LEAVE A REPLY