બ્રિટનને રશિયાની બે સૌથી મોટી ઓઇલ કંપનીઓ લ્યુકોઇલ અને રોઝનેફ્ટ તથા ભારતની પેટ્રોલિયમ કંપની નાયરા એનર્જીને ટાર્ગેટ કરીને નવા પ્રતિબંધોની બુધવારે જાહેરાત કરી હતી. નાયરામાં રશિયન કંપની રોઝનેફ્ટ સૌથી મોટી શેરહોલ્ડર છે અને અગાઉ યુરોપિયન યુનિયને પણ પ્રતિબંધ મૂક્યાં હતાં. નાયરા ગુજરાતમાં રિફાઇનરી ધરાવે છે.
લ્યુકોઇલ અને રોઝનેફ્ટ સામે બ્રિટનના રશિયા પ્રતિબંધ કાયદા હેઠળ પ્રતિબંધ લદાયા છે. આનાથી આ કંપનીઓની સંપત્તિ ટાંચવામાં લેવી, પરિવહન પ્રતિબંધો અને બ્રિટિશ ટ્રસ્ટ સેવાઓ પર પ્રતિબંધ જેવા નિયંત્રિતોને આધીન બનશે. આ બંને કંપનીઓને ક્રેમલિન માટે વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવે છે.
અમેરિકાની મુલાકાતે ગયેલા નાણાપ્રધાન રાશેલ રીવ્સે જણાવ્યું હતું કે “અમે રશિયાની બે સૌથી મોટી તેલ કંપનીઓ, લુકોઇલ અને રોઝનેફ્ટને ટાર્ગેટ કરીને પ્રતિબંધો લાદી રહ્યા છીએ. આની સાથે અમે ભારત અને ચીન સહિત ત્રીજા દેશોની કંપનીઓ પર દબાણ વધારી રહ્યા છીએ, જે વૈશ્વિક બજારોમાં રશિયાનું તેલ મેળવવામાં મદદ કરે છે.
લંડનમાં રશિયાના દૂતાવાસે જણાવ્યું હતું કે પ્રતિબંધો વૈશ્વિક ઉર્જા બજારોને અસ્થિર કરીને અને બ્રિટિશ વ્યવસાયો અને ગ્રાહકો માટે ખર્ચમાં વધારો કરીને વિપરીત અસર કરશે.
બ્રિટનને જણાવ્યું હતું કે નાયરાએ 2024માં અબજો ડોલરનું રશિયન ક્રૂડ આયાત કર્યું હતું. ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ (FCDO)એ જણાવ્યું હતું કે યુકેના નાણા મંત્રાલય સાથેની આ સંકલિત કાર્યવાહીથી રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનના યુદ્ધ ભંડોળના પર પ્રહાર થશે. તેનાથી ક્રેમલિનને ક્રૂડ ઓઇલના વેચાણથી થતી આવક બંધ થશે. આ પ્રતિબંધથી રશિયન ક્રૂડ ઓઇલને બજારમાંથી દૂર કરવામાં મળશે. આજની કાર્યવાહી પુતિનના આવકના પ્રવાહોને કાપી નાખવાનો સરકારનો નિર્ધાર દર્શાવે છે.
FCDOએ જણાવ્યું હતું કે ચીનમાં ચાર ઓઇલ ટર્મિનલ, રશિયન ઓઇલનું પરિવહન કરતા શેડો ફ્લીટનામાં 44 ટેન્કર અને નાયરા એનર્જીને આ નવા પ્રતિબંધોથી ફટકો પડશે. નાયરાએ 2024માં 5 અબજ ડોલરનું 10 કરોડ બેરલ ક્રૂડ ઓઇલની આયાત કરી હતી.
બ્રિટનના આ નિર્ણયની આકરી ટીકા કરતાં નાયરાએ જણાવ્યું હતું કે નાયરા એનર્જી ભારતના કાયદા અને નિયમોનું સંપૂર્ણ પાલન કરીને બિઝનેસ કરે છે. એક ભારતીય કંપની તરીકે અમે રાષ્ટ્રની ઉર્જા સુરક્ષાને ટેકો આપવા અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છીએ.
ક્રેમલિનમાં ભંડોળના પ્રવાહને વધુ નિયંત્રિત કરવા માટે યુકે એવી પણ જાહેરાત કરી હતી કે અમે રશિયન મૂળના ક્રૂડ ઓઇલમાંથી ત્રીજા દેશમાં રિફાઇન કરેલી પેટ્રો પેદાશોની આયાત પર પણ પ્રતિબંધ મૂકશે.
