કેનેડાના એક ટોચના અધિકારીએ સમાચાર એજન્સી- રોયટર્સને જણાવ્યું હતું કે, શીખ ભાગલાવાદી નેતાની હત્યા અંગેના રાજદ્વારી વિવાદને કારણે વિઝા આપનારા કેનેડિયન રાજદ્વારીઓને ભારતે કાઢી મૂક્યા હતા. આ ઘટના પછી બહુ ઓછા ભારતીય વિદ્યાર્થીઓએ વિઝા માટે અરજી કરી હતી. ગત વર્ષના અંતમાં કેનેડાએ ભારતીયોને સ્ટુડન્ટ વિઝા આપવાની સંખ્યામાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો. આ અંગે ઇમિગ્રેશન પ્રધાન માર્ક મિલરે એક ઇન્ટર્વ્યૂમાં જણાવ્યું હતું કે, તેઓ માને છે કે, ટૂંક સમયમાં વધુ સંખ્યામાં ભારતીયોને ફરીથી સ્ટુડન્ટ વિઝા આપવાની શક્યતા નથી. ગત વર્ષે જૂન મહિનામાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ બ્રિટિશ કોલંબિયામાં હરદીપસિંઘ નિજ્જરની હત્યા સાથે ભારતીય સરકારી એજન્ટોને સાંકળતા પુરાવા હોવાનું જણાવતા બંને દેશો વચ્ચે રાજદ્વારી વિવાદ ઊભો થયો હતો.

મિલરે જણાવ્યું હતું કે, “આ તણાવના કારણે ભવિષ્યમાં વિઝાની સંખ્યા પર દબાણ આવે તેવી સંભાવના છે. ભારત સાથેના સંબંધોના કારણે ખરેખર ત્યાંથી ઘણી અરજીઓને પ્રોસેસ કરવાની અમારી ક્ષમતાને અડધો અડધ ઘટાડી છે.”
ઓક્ટોબરમાં, ભારત સરકારના આદેશોના કારણે કેનેડાને 41 રાજદ્વારીઓને પરત બોલાવવાની ફરજ પડી હતી. પ્રધાનનાં મહિલા પ્રવક્તાએ જણાવ્યું હતું કે, વધુમાં, આ વિવાદના કારણે ભારતીય વિદ્યાર્થીઓને અન્ય દેશોમાં અભ્યાસ કરવા માટે પ્રેરિત થયા હતા.
અગાઉ નહીં નોંધાયેલા સત્તાવાર આંકડા મુજબ, આવા મુદ્દાઓને કારણે ગત વર્ષના ચોથા ત્રિમાસિકગાળામાં ભારતીયોને આપવામાં આવેલા સ્ટુડન્ટ વિઝામાં અગાઉના ત્રિમાસિકગાળાની તુલનાએ 86 ટકાનો ઘટાડો થયો હતો, જે 108,940થી ઘટીને 14,910 થઈ ગયો હતો.
ઓટ્ટાવામાં ભારતીય હાઈ કમિશનના કાઉન્સેલર સી. ગુરુસુબ્રમણિયને જણાવ્યું હતું કે, કેનેડાની કેટલીક સંસ્થાઓમાં “તાજેતરના ભૂતકાળ, રહેવાની વ્યવસ્થા અને અભ્યાસ માટે યોગ્ય સગવડોની અછત જેવી ચિંતાઓને” કારણે કેટલાક ભારતીય વિદ્યાર્થીઓ કેનેડા સિવાયના અન્ય વિકલ્પો તપાસી રહ્યા છે.
થોડા વર્ષોથી ભારતીયોએ કેનેડામાં ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓનું સૌથી મોટું ગ્રુપ બનાવ્યું છે, જેમાં 41 ટકાથી વધુ એટલે કે 225,835 પાસે 2022માં વિઝા હતા.

LEAVE A REPLY

12 − 7 =