દસ હજાર કરોડ રૂપિયાથી વધુના પંજાબ નેશનલ બેંક કૌભાંડ કેસમાં ભાગેડુ હીરા ઉદ્યોગપતિ નીરવ મોદીને ફરી એક વખત આંચકો લાગ્યો છે. ગુરૂવારે બ્રિટિશ કોર્ટે પાંચમી વખત નીરવ મોદીની જામીન અરજી ફગાવી દીધી હતી. ભારતની તરફથી પીએનબી કૌભાંડ અને મની લોન્ડરિંગના આરોપોમાં તેની વિરૂદ્ધ પ્રત્યાર્પણના પ્રયત્નો ઘણા લાંબા સમયથી ચાલી રહ્યાં છે. જેની સામે તે કાયદાકીય લડાઇ લડી રહ્યો છે.
ગયા વર્ષે માર્ચમાં થયેલી ધરપકડ પછી દક્ષિણ પશ્ચિમ લંડનની વન્ડ્સવર્થ જેલમાં બંધ નિરવ મોદીએ જામીન મેળવવા માટે અત્યાર સુધીમાં પાંચ વખત અરજી કરી છે. નિરવ મોદી ભારત પરત લાવવાના કેસની સુનાવણી 11 મેથી 15 મે વચ્ચે થશે.
આજે તે વિડિયોલિંક મારફતથી કોર્ટમાં રજૂ થયો હતો. નિરવ મોદીના વકીલ દ્વારા 4 મિલિયન પાઉન્ડની જામીન સિક્યુરિટી, નજર કેદ, 24 કલાક ઇલેક્ટ્રોનિક ટેગ તથા ખાનગી સુરક્ષા ગાર્ડ, ગેજેટ અને ટેલિફોન દ્વારા સતત નજર રાખવાની ઓફર કરવામાં આવી હોવા છતાં કોર્ટ દ્વારા તેની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી.