અમદાવાદમાં કોરોનાના કેસોમાં વધારા વચ્ચે 19 એપ્રિલે એક દર્દીને સારવાર માટે કોવિડ-19 હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. (REUTERS/Amit Dave)

કોરોના કોરોના કેસોમાં ઉછાળાથી લોકડાઉનની અટકળો વચ્ચે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે સોમવારે જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલ લોકડાઉન લગાવવામાં આવશે નહીં. ઘણા લોકો, વેપારી સંગઠનો અને બજારો સ્વયંભૂ લોકડાઉન કરીને કોરોનાની ચેન તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે, વેપાર, ધંધા, ઉદ્યોગ, પશુપાલકોની કામગીરી તથા અન્ય નાના-મોટા વેપાર ચાલું રહે તથા લોકોમાં વધારે ચેપ ન ફેલાય તેવા પ્રયાસો સરકાર પણ કરી રહી છે.

રાજ્યમાં લોકડાઉન અંગે તેમણે જણાવ્યું હતું કે, લોકડાઉન અંગે જુદા-જુદા અભિપ્રાયો આવે છે. નિષ્ણાતોમાં પણ આ અંગે મતભેદ છે. ઘણા કહે છે કે માસ્ક પહેરો અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો અને વારંવાર હાથ ધોવો, તેનાથી પણ સુરક્ષા મળે છે. લોકડાઉનથી ચેન તોડવામાં સફળતા મળે છે, પરંતુ લોકડાઉનથી હજારો લોકોની રોજગારી પર માઠી અસર પડે છે. લોકોને આર્થિક નુકસાન વેઠવું પડે છે. ઘણા દેશો અને શહેરોમાં સતત લોકડાઉ કર્યું હોવા છતાં મોટા પ્રમાણમાં દર્દીઓ આવ્યા હતા.

રાજ્યમાં મેડિકલ ઓક્સિજનના અભાવ અંગે નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત પૂરતી વાત કરું તો રાજ્યમાં ઓક્સિજનનું ઉત્પાદન થાય છે તેમાંથી ભાગનો ઉપયોગ કોરોનાના દર્દીઓની સારવાર માટે અનામત કરી દીધો છે. મોટા ભાગનો જથ્થો માત્ર હોસ્પિટલોના ઉપયોગ માટે લેવામાં આવ્યો છે. તેના પર નજર રાખવા માટે કલેક્ટર અને અન્ય અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. ઓક્સિજન સિલિન્ડર ભરાવાથી લઈને જરૂરીયાત સ્થળે પહોંચાડવા માટે તમામ વ્યવસ્થા અને સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. તેને લઈ જવા માટે પાઈલોટિંગ કરવામાં આવે છે.

કોરોના સારવારમાં વપરાતી રેમડેસિવિર ઈન્જેક્શન અંગે તેમણે કહ્યું હતું કે, સરકારી અને કોવિડ હોસ્પિટલોમાં આ ઈન્જેક્શન પૂરા પાડવા માટે સરકારે વ્યવસ્થા કરી છે. ઉત્પાદકો મેડિકલ ડિસ્ટ્રીબ્યુટર્સ કે ફાર્માસિસ્ટ આ ઈન્જેક્શન પૂરા પાડી રહી છે. સરકાર પણ મોટા પ્રમાણમાં ઈન્જેક્શન આપી રહી છે. દરરોજ 20 હજાર જેટલા ઈન્જેક્શન પૂરા પાડી રહી છે. જે રીતે જથ્થો પ્રાપ્ત થાય છે તે પ્રમાણે જિલ્લા અને મહાનગરોને મોકલવામાં આવી રહ્યા છે. સરકારી હોસ્પિટલોમાં મફતમાં ઈન્જેક્શન આપવામાં આવી રહ્યા છે.