(Photo bySTRINGER/AFP via Getty Images)

રણબીર કપૂરની માતા અને રિશિ કપૂરની પત્ની નીતુ કપૂરે જણાવ્યું છે કે, તેણે રિશી કપૂર સાથે ફિલ્મોમાં કામ માત્ર ફેવર આપવા માટે કર્યું હતું. વર્ષ 2020માં રિશી કપૂરના અવસાન બાદ નીતુને ખૂબ એકલવાયું લાગી રહ્યું છે. જોકે, તેમણે હવે ફરીથી કામ કરવાનું શરૂ કર્યું છે. તેઓ વરુણ ધવન અને કિયારા અડવાણી સાથેની ‘જુગ જુગ જિયો’માં જોવા મળશે. સાથે જ ‘ડાન્સ દીવાને જુનિયર્સ’ને પણ જજ કરે છે. આ કપૂર દંપત્તીએ ‘કભી કભી’, ‘ખેલ ખેલ મેં’, ‘દૂસરા આદમી’, ‘ધન દૌલત’, ‘રફુચક્કર’, ‘ઝિંદાદિલ’, ‘અમર અકબર એન્થની’, ‘લવ આજ કલ’, ‘દો દુની ચાર’ અને ‘બેશરમ’માં સાથે કામ કર્યું હતું. હવે તેઓ પોતાને વ્યસ્ત રાખવા ઇચ્છે છે.

આ અંગે નીતુ કપૂરે જણાવ્યું હતું કે, ‘આજે મારું દિલ કહી રહ્યું છે કે મારે કામ કરવું છે. મારે બિઝી રહેવું છે. એકલા નથી રહેવું અને ભૂતકાળ વિશે સતત વિચાર નથી કરવા. હું માનસિક રીતે પોતાને વ્યસ્ત રાખવા ઇચ્છું છું, ટ્રાવેલ કરવા, શૂટિંગમાં અને ટીવી-શોમાં બિઝી રહેવા માગું છું. હું ઘરે નથી બેસવા માગતી.’

એવી કેટલીયે ફિલ્મો છે જે મેં મારા હસબન્ડ સાથે કરી છે. તેઓ મને કહેતા કે તારે આ ફિલ્મ કરવાની છે. આપમેળે મેં કશું નથી કર્યું. ‘જુગ જુગ જિયો’ મેં મારા દમ પર કરી હતી. મારા હસબન્ડને ખુશ રાખવા માટે મેં એ ફિલ્મોમાં કામ કર્યું હતું.