(Photo by STRDEL/AFP via Getty Images)

પીઢ અભિનેતા અને જાણીતા ડાયરેક્ટર સતિષ કૌશિકે ગત સપ્તાહે પોતાનો 65મો જન્મદિન ઉજવ્યો હતો. ફિલ્મોમાં સહાયક કલાકાર અને કોમેડિયનની ભૂમિકા ભજવનાર સતિષ કૌશિકને બોલિવૂડના મજબૂત અભિનેતા માનવામાં આવે છે. તેઓ કોમેડી કે ગંભીર પાત્રની ભૂમિકા સરળતાથી કરી શકે છે. કોઇપણ પાત્ર ભજવતી વખતે તેમાં તેઓ તેમાં ડુબી જાય છે. તેમણે પોતાના કરિયરની શરૂઆત વર્ષ 1983માં મૌસમથી કરી હતી. આ પછી તેમણે ફિલ્મમોમાં એક કરતા વધુ પાત્રો ભજવ્યા છે. આ સાથે સતિષ કૌશિક પણ પોતાના અંગત જીવનના કારણે ચર્ચામાં રહ્યા હતા.

ગયા વર્ષે નીના ગુપ્તાનું પુસ્તક ‘સચ કહું તો’ પ્રકાશિત થયું હતું. નીનાએ તેમાં પોતાના વિશે કેટલીક અજાણી અને સાંભળેલી વાતોનો ખુલાસો કર્યો હતો. આ પુસ્તકમાં નીનાએ જણાવ્યું છે કે, મસાબા તેના પેટમાં હતી ત્યારે અભિનેતા સતિષ કૌશિકે તેને લગ્ન માટે પ્રસ્તાવ આપ્યો હતો. સતિષ મસાબા માટે પિતાની ભૂમિકા ભજવવા ઇચ્છતા હતા. સતિષ કૌશિકે નીના ગુપ્તાને કહ્યું, ‘ચિંતા ન કરો, જો બાળક શ્યામ ત્વચા વાળું જન્મે તો કહેવાનું કે તે મારું છે અને અમે લગ્ન કરીશું. કોઈને કોઈ શંકા નહીં કરે.’

તે જાણીતું છે કે મસાબા ગુપ્તા વેસ્ટ ઈન્ડિઝ‍ના ભૂતપૂર્વ ક્રિકેટર વિવિયન રિચર્ડ્‍સ અને નીના ગુપ્તાની પુત્રી છે. તે બંને વચ્ચે ગાઢ સંબંધ હતા, પરંતુ તેમણે લગ્ન નહોતા કર્યા. નીનાએ એકલા હાથે દીકરી મસાબાનો ઉછેર કર્યો છે. આ પછી, સતિષ કૌશિકે નીના ગુપ્તાના આ ખુલાસા પર પ્રતિક્રિયા આપતા મીડિયા સાથેની ચર્ચામાં કહ્યું કે, હું નીનાની પ્રશંસા કરું છું, લગ્ન વિના આ રીતે બાળકનો ઉછેર કર્યો. હું તેની સાથે સાચા મિત્ર તરીકે ઊભો રહેવા માંગતો હતો. નીનાએ તેના પુસ્‍તકમાં જે પણ લખ્‍યું છે તે અભિવ્‍યક્‍તિના રૂપમાં લખાયું છે. એક સાચા મિત્રની જેમ હું તેની પડખે ઊભો રહેવા માંગતો હતો. હું તેમને આત્‍મવિશ્વાસ આપવા માંગતો હતો. હું તે સમય દરમિયાન તેમને એકલતા અનુભવવા માંગતો ન હતો, દિવસના અંતે, ફક્‍ત મિત્રો જ જે યોગ્‍ય છે તેના માટે ઊભા રહે છે. જયારે મેં નીનાને લગ્ન માટે પ્રપોઝ કર્યું ત્‍યારે મને ઘણી મિશ્ર લાગણીઓ હતી. બેસ્‍ટફ્રેન્‍ડ તરીકે રમૂજ અને સમર્થન સાથે આદર કરવા માંગતો હતો, જયારે તેને કોઈ વ્‍યક્‍તિની સૌથી વધુ જરૂર હતી, ત્‍યારે મેં તેને કહ્યું કે હું નથી?, તમે શા માટે ચિંતા કરો છો? તે સમયે નીના ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી.

સતિષ કૌશિક અને નીના ગુપ્તા વર્ષ 1975થી મિત્રો છે. જયારે નીના ગર્ભવતી હતી, ત્યા‍રે તેમની વચ્ચે મજબૂત બોન્ડિગ હતું. સતિષ કહે છે કે, ત્યારથી અમારી મિત્રતા ગાઢ થતી ગઈ. હું ખુશ છું, ગર્વ અનુભવું છું કે તે એક અભિનેતા તરીકે અદભૂત કામ કરી રહી છે. તે મહિલા માટે મજબૂત પ્રેરણા સમાન છે. તે હવે પરિણીત જીવનમાં ખુશ છે અને તેનો પતિ પણ સફળ છે. તે મારો સારો મિત્ર પણ છે.