નિવાર વાવાઝોડા પહેલા ચેન્નાઇમાં મરિના બિચ ખાતે દરિયામાં ઉંચા મોજા ઉછળ્યા હતા. (PTI Photo/R Senthil Kumar)

બંગાળની ખાડીથી ઊભું થયેલું નિવાર વાવાઝોડું બુધવારની મધ્યરાત્રીએ અથવા ગુરુવારે વહેલી સવારે પુડ્ડુચેરી નજીક દરિયાકાંઠે ત્રાટકે તેવી શક્યતા છે. વાવાઝોડાને કારણે બુધવારે સાંજે પાંચ વાગ્યાથી ચેન્નાઇ એરપોર્ટ પરથી ફ્લાઇટનું ઉડ્ડયન બંધ કરવામાં આવ્યું છે. મેટ્રો સર્વિસિસ પણ બંધ કરવામાં આવી છે. રેલવેએ 12 અપડાઉન ટ્રેન રદ કરી છે.

નિવાર મોડી રાત સુધીમાં કરાઇકલ (આંધ્રપ્રદેશ) અને મહાબલીપુરમ (તમિલનાડુ)ને પાર કરશે. અહીંથી પસાર થતા સમયે 140 કિમી પ્રતિ કલાકની સ્પીડથી હવા ફુંકાય તેવી શક્યતા છે.

નિવારને ગંભીર કેટેગરીમાં રાખવામાં આવ્યું છે. NDRFના ડીજી એસએન પ્રધાને કહ્યું કે છેલ્લાં બે દિવસથી અમારી ટીમ ગ્રાઉન્ડ પર છે. તમિલનાડુ, પુડ્ડુચેરી અને આંધ્રમાં અમે 25 ટીમ તહેનાત કરી છે. અમે દરેક સ્થિતિ માટે તૈયાર છીએ. આ ઉપરાંત 1200 રેસ્ક્યૂ ટુપર્સ પણ તહેનાત કરવામાં આવ્યા છે. જ્યારે 800 ટુપર્સને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.

નિવારને કારણે ચેન્નઈ એરપોર્ટ આજે સાંજે 7 વાગ્યાથી આવતીકાલે સવારે 7 વાગ્યા સુધી બંધ કરી દેવાયું છે. આ પહેલાં 26 ફ્લાઈટ રદ કરવામાં આવી હતી. તમિલનાડુના 13 જિલ્લામાં 26 નવેમ્બર સુધી રજાની જાહેરાત કરવામાં આવી છે. ચેન્નઈ, વેલ્લોર, કુડ્ડાલોર, વિલુપુરમ, નાગાપટ્ટિનમ,થિરૂવરુર, ચેંગાલપટ્ટૂ અને પેરમ્બલોર જેવા શહેર સામેલ છે. તમિલનાડુથી 30 હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને પુડ્ડુચેરીથી 7 હજાર લોકોને શિફ્ટ કરવામાં આવ્યા છે.

ચેન્નઈમાં છેલ્લા 24 કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે. તેનાથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં છે. ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કરુણાનિધિના ઘરમાં પણ પાણી ભરાયો હોવાનો વિડિયો વાઇરલ થયો હતો. હવામાન વિભાગે નિવાર ચક્રવાત એક જોખમી સાઈક્લોનમાં ફેરવાઈ શકે છે એની શક્યતાઓ વ્યક્ત કરી હતી.