ઇટલીના રોમમાં નવ ઓક્ટોબર 2020ના રોજ 2020ના નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત કરતી વખતે વર્લડ ફૂડ પ્રોગ્રામનો લોગો દર્શાવવામાં આવ્યો હતો. (REUTERS/Remo Casilli)

વર્ષ 2020માં શાંતિ માટેનુ નોબેલ પ્રાઈઝ યુનાઇટેડ નેશન્સ ફૂડ એજન્સીના વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ ((WFP)ને આપવાની શુક્રવારે જાહેરાત થઈ હતી. આ એજન્સી દુનિયાભરમાંથી ભૂખમરો દુર કરવા માટે પ્રયત્નો કરી રહી છે. સંગઠનનો પ્રયાસ છે કે દુનિયાના વિવિધ દેશોના લોકોને ફૂડ સિક્યુરિટીનો મૂળભૂત અધિકાર પ્રાપ્ત થાય.

નોર્વેની નોબેલ કમિટીએ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ દ્વારા યુધ્ધગ્રસ્ત દેશોમાં શાંતિ સ્થાપવા માટેના પ્રયત્નો અને કોઈ પણ પ્રકારના વિવાદમાં ભૂખમરાને હથિયાર તરીકે ઉપયોગમાં લેવાના પ્રયાસોને રોકવા માટે ભજવેલી ભૂમિકાને પણ નોબેલ પ્રાઈઝ આપવા માટે ગણતરીમાં લીધી છે.

વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ દુનિયામાંથી ભૂખમરો દુર કરવા માટે કાર્યરત સૌથી મોટુ માનવીય સંગઠન છે. રોમ સ્થિત સંગઠને જણાવ્યું હતું કે તેને દર વર્ષે દુનિયાના 88 દેશોના 97 મિલિયન લોકોને સહાય કરે છે અને દુનિયામાં દસમાંથી એક વ્યક્તિને ખાવા માટે પૂરતું અનાજ મળતું નથી. 2020માં કોરોના વાયરસે દુનિયામાં કહેર વરતાવ્યો હતો ત્યારે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામે લોકોને ભોજન મળી રહે તે માટેના પોતાના પ્રયાસો વધારે તેજ કરી દીધા હતા. ભારતમાં આ સંગઠન સરકારને ટેકનિકલ સહાયતા અને લોકોને ભોજન મળી રહે તે માટે સરકારની ક્ષમતા વધારવા માટે મદદ કરે છે.