નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર પ્રક્રિયાને અટકાવવાનો સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. NPR અટકાવવા માટે સોમવારે એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી.આ અરજીમાં એવા તર્ક આપવામાં આવ્યા હતા કે આધારમાં ડેટાની સુરક્ષાની ગેરંટી છે, પણ નાગરિકતા અનુસૂચિ,2003 અંતર્ગત એકત્રિત કરવામાં આવતી માહિતીનો દુરુપયોગ થઈ શકે છે એટલે કે તેની સુરક્ષાની કોઈ ગેરન્ટી નથી.

જોકે, સુપ્રીમ કોર્ટે NPR પ્રક્રિયાને અટકાવવા માટે ઈન્કાર કર્યો હતો અને CAAને લગતા અન્ય કેસોની સાથે દલીલોને પણ ટેગ કરવામાં આવ્યા છે,જે અંગે હવે સુનાવણી થશે. NPR અરજીમાં કહેવામાં આવ્યું હતું કે રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર માટે જે માહિતી એકત્રિત કરવામાં આવશે તેના દુરુપયોગથી બચવાની કોઈ જ ગેરન્ટી નથી.

કોર્ટે CAA અને NPA પ્રક્રિયાને પડકારતી નવી અરજીઓ પર કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે. કોર્ટે પ્રક્રિયા સ્થગિત કરવાનો ઈન્કાર કર્યો છે અને આ અરજદારોને CAAના અન્ય અરજદારો સાથે સૂચીબદ્ધ કર્યા છે. કોર્ટે આ કાયદા વિરુદ્ધ દાખલ અરજી પર જવાબ આપવા માટે કેન્દ્રને ચાર સપ્તાહનો સમય આપ્યો છે અને કહ્યું છે કે આ અરજીઓ પર પાંચ ન્યાયમૂર્તિની બનેલી ખંડપીઠ સુનાવણી કરશે.