એર ઈન્ડિયાને વેચવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મોદી સરકારે સોમવારે પ્રાથમિક મેમોરેન્ડમ બહાર પાડ્યું છે. જોકે સરકારના આ પ્રસ્તાવનો વિરોધ બીજેપીના સાંસદ સુબ્રમણ્યનસ્વામીએ કર્યો છે. બીજેપીના સાંસદ સુબ્રમણ્યનસ્વામીએ ટ્વિટના માધ્યમથી નિર્ણયનો વિરોધ કરતા કહ્યું કે સોદો સંપૂર્ણ રીતે દેશ વિરોધી છે અને મારે કોર્ટ જવા માટે મજબૂર થવું પડશે. આપણે પરિવારની કિંમતી વસ્તુઓને વેચી શકીએ નહિં.

બીજેપીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યનસ્વામી પહેલા પણ એર ઈન્ડિયાને વેચવા માટે સરકારની યોજનાથી નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. એમ કહેવાઈ રહ્યું છે કે આ નિર્ણયને લઈને રાજકીય અને કાયદાકીય અડચણ સર્જાઈ શકે છે.

સુબ્રમણ્યનસ્વામી એર ઈન્ડિયા માટે થયેલી બોલી પ્રક્રિયા માટે ઉઠાવવામાં આવેલા પગલાની વિરુદ્ધ પણ ચેતવણી આપી ચૂક્યા છે. તેમણે આ બાબતની નીંદા કરતા કહ્યું હતું કે આ મુદ્દા પર હાલ સંસદીય પેનલ દ્વારા ચર્ચા કરવામાં આવી રહી છે.

તેમણે થોડા દિવસો અગાઉ કહ્યું હતું કે તે હાલ એર ઈન્ડિયાની વિનિવેશ સમિતિના વિરોધમાં છે અને હું તેનો એક સભ્ય છું. મને એક નોંધ આપવા માટે કહેવામાં આવ્યું છે, જેની પર અગામી બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. તેઓ આ વગર આગળ વધી શકશે નહિ. તેમણે ચેતવણી આપતા કહ્યું હતું કે જો તેઓ તે વગર આગળ વધશે તો હું કોર્ટમાં જઈશ, તેમને આ વાતની જાણ છે.

મોદી સરકાર તરફથી રજૂ કરવામાં આવેલા બિડ ડોક્યુમેન્ટ મુજબ એર ઈન્ડિયા એક્સપ્રેસનો 100 ટકા હિસ્સો વેચવામાં આવશે. આ સિવાય એર ઈન્ડિયા અને SATSની જોઈન્ટ વેન્ચર કંપની AISATSમાં એર ઈન્ડિયાનો 50 ટકા હિસ્સો વેચવામાં આવશે. એર ઈન્ડિયાનો મેનેજમેન્ટ કન્ટ્રોલ પણ બોલી જીતનાર કંપનીને મળી જશે. સરકારે એર ઈન્ડિયા માટે એક્સપ્રેશન ઓફ ઈન્ટરસ્ટ(EOI) દર્શાવવાની તારીખ 17 માર્ચ નિર્ધારીત કરી છે.