પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અમેરિકાના ડોલર સામે ભારતના રૂપિયામાં થઈ રહેલા ધોવાણને અટકાવવા માટે ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઇ)એ બુધવાર, 6 જુલાઇએ સંખ્યાબંધ હંગામી પગલાંની જાહેરાત કરી છે. રિઝર્વ બેન્કના પગલાં ખાસ કરીને દેશમાં ડોલર પ્રવાહમાં વધારો કરવાના છે.

વિદેશી મૂડી આકર્ષવાના હંગામી પગલાં તરીકે આરબીઆઇએ ફોરેન કરન્સી ડિપોઝિટ પર ઊંચું વળતર ઓફર કરવાની બેન્કોને છૂટ આપી છે. જે ફોરેન કરન્સી પર રિઝર્વ જાળવવાની જરૂર પડતી નથી તેવી ડિપોઝિટ પર બેન્કો વધુ વ્યાજ ઓફર કરી શકશે.

બિન નિવાસી ભારતીયો (એનઆરઆઇ)ને FCNR(B) અને NRE ડિપોઝિટમાં ભારતમાં ફોરેન એક્સ્ચેન્જ લાવવા માટે વધુ વળતર મળશે, કારણ કે નવી ડિપોઝિટ પર વ્યાજદર પરની મર્યાદા દૂર કરાઈ છે. આ છૂટછાટનો લાભ 31 ઓક્ટોબર 2022 સુધી મળશે. FCNR(B) ફોરેન કરન્સી નોન રેસિડન્ટ ડિપોઝિટ છે, જ્યારે એનઆરઇ ડિપોઝિટ નોન રેસિડેન્ટ એક્સટર્નલ ડિપોઝિટ છે.

ભૂતકાળમાં આવી છૂટછાટ આપવામાં આવી ત્યારે અબજો ડોલરની મૂડી આવી હતી, કારણ કે વિદેશી બેન્કો એનઆરઆઇને પર્સનલ લોન આપતી હોય છે અને એનઆરઆઈ આ રકમ ઊંચા વ્યાજદરનો લાભ લેવા ફોરેન કરન્સી ડિપોઝિટમાં મૂકતા હોય છે.

બિનનિવાસીઓ પાસેથી મોટા હિસ્સામાં ડિપોઝિટ આકર્ષતી ફેડરલ બેન્કના સીઇઓ શ્યામ શ્રીનિવાસને જણાવ્યું હતું કે ઇન્ડિવિડ્યુઅલ રેમિટન્સ ક્ષેત્રમાં 22.5 ટકા હિસ્સા સાથે અમારા જેવી બેન્કો માટે આ નિર્ણય ટર્બોચાર્જર સમાન છે. જુલાઈ ડિસેમ્બર સમયગાળામાં સામાન્ય રીતે કેટલાંક ડાયાસ્પોરા અને કોરિડોર્સ પાસેથી મહત્તમ રેમિટન્સ આવતું હોય છે. આમ હવે તેમાં વધારો થશે. શ્રીનિવાસના જણાવ્યા અનુસાર વિદેશી નાણાપ્રવાહ આકર્ષવાની 2013 પછીની આ પ્રથમ હિલચાલ છે.

હાલમાં ત્રણ વર્ષની મુદત માટેની FCNR(B) ડિપોઝિટ પર ઇન્ટરનેશન બેન્ચમાર્ક રેટ વત્તા 2.50 ટકા વ્યાજ ઓફર કરવામાં આવે છે અને ત્રણ વર્ષથી વધુ મુદતની થાપણ પર ઇન્ટરનેશનલ બેન્ચમાર્ક રેટ વત્તા 3.50 ટકા વ્યાજ મળે છે. રિઝર્વ બેન્કના નિયમો માટે બેન્કો પર આવી ડિપોડિટ માટે વ્યાજની આ મર્યાદા છે.

આરબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું કે રૂપિયાના ઘસારા, અસ્થિરતાને અટકાવવા અને વિદેશી આઉટફ્લોની સામે ઈન્ફલો વધારવા માટે ફોરેક્સ ફંડિંગના સ્ત્રોતોમાં વધારો કરી વધુ છૂટ આપવાના હેતુસર મુખ્ય 5 પગલાં લીધા છે જેમાં ડેટ માર્કેટમાં FPI રોકાણ માટેના ધોરણો હળવા કરવા અને ઓટોમેટિક રૂટ હેઠળ એક્સટર્નલ કોમર્શિયલ બોરોઇંગ (ECB) મર્યાદા 75 કરોડ ડોલર પ્રતિ વર્ષથી વધારીને 1.5 અબજ ડોલર કરવાનો નિર્ણય લેવાયો છે.