કેનેડામાં 2026ના મધ્ય સુધીમાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્સની સંખ્યામાં ઉછાળો આવવાની ધારણા છે. તેનું મુખ્ય કારણ એ છે કે 2025માં રેકોર્ડ સંખ્યામાં વર્ક પરમિટની મુદત પૂરી થઈ છે અને 2026માં પણ વિક્રમી સંખ્યામાં વર્ક પરમિટ પૂરી થઈ રહી છે. તેનાથી આશરે બે મિલિયન ઇમિગ્રન્ટ્સ કાનૂની દરજ્જો ગુમાવશે, આમાંથી અડધાથી વધુ ભારતીયો હશે.
ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC)ના ડેટા અનુસાર 2025ના અંત સુધીમાં આશરે 1,053,000 વર્ક પરમિટની મુદત પૂર્ણ થઈ ગઈ છે અને 2026માં 927,000 વર્ક પરમિટની મુદત પૂર્ણ થઈ જશે. આ આંકડા મિસિસાગા સ્થિત ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ કંવર સેરાહ દ્વારા એકત્ર કરાયેલી માહિતી આધારિત છે.
વર્ક પરમિટની મુદત પૂરી થાય છે, ત્યારે બીજા વિઝા અથવા પીઆર લેવા પડે છે, પરંતુ કેનેડિયન સરકારે ઇમિગ્રેશનને અંકુશમાં લેવાની પ્રક્રિયા ચાલુ કરી છે.
કંવર સેરાહે જણાવ્યું હતું કે સંખ્યાબંધ લોકો કાનૂની દરજ્જો ગુમાવશે. તેનાથી અરાજકતા ઊભી થઈ શકે છે. કેનેડામાં અગાઉ ક્યારેય આટલી મોટી સંખ્યામાં લોકોને કાનૂની દરજ્જો ગુમાવવો પડ્યો નથી. 2026ના પ્રથમ ક્વાર્ટરમાં લગભગ 315,000 વર્ક પરમિટની મુદત પૂરી થશે, જે એક રેકોર્ડ છે. 2025ના છેલ્લા ક્વાર્ટરમાં આ સંખ્યા 291,000થી વધુ હતી. 2026ના મધ્ય સુધીમાં કેનેડામાં ઓછામાં ઓછા બે મિલિયન ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ હશે અને તેમાં ભારતના લોકો ઓછામાં ઓછા અડધા હશે. ભારતીયો માટેનો આ આંકડો ખૂબ જ ઓછો અંદાજ છે. હકીકતમાં આ સંખ્યા વધુ હોઈ શકે છે કારણ કે હજારો સ્ટડી પરમિટ પણ સમાપ્ત થઈ જશે અને આશ્રયના દાવાઓ નકારવામાં આવશે.














