પ્રોપર્ટી અને હોસ્પિટાલીટી બિઝનેસના અગ્રણી બ્રિટિશ ભારતીય ઉદ્યોગપતિ સુરિંદર અરોરા દ્વારા સ્થાપિત વિખ્યાત અરોરા ગ્રૂપને યુકે સ્થિત ઓકનોર્થ બેંકે £50 મિલિયનની લોન આપી છે. આ લોન અરોરા ગ્રૂપને ફાઇનાન્સીયલ ફાયરપાવર આપશે જેથી તેઓ કોવિડ-19 રોગચાળાને પગલે ઉદ્ભવેલી તકોનો લાભ મેળવી શકશે.
બ્રિટિશ ભારતીય ઉદ્યોગપતિ, સુરિન્દર અરોરા દ્વારા 1999માં અરોરા ગ્રુપની સ્થાપના કરવામાં આવી હતી અને તેમનું ગૃપ પ્રોપર્ટી ઇન્વેસ્ટમેન્ટ, બાંધકામ અને હોટલ ક્ષેત્રે વિશેષતા ધરાવતી વિવિધ કંપનીઓનું યુકે-કેન્દ્રિત સફળ ખાનગી જૂથ છે. હાલમા અરોરા ગ્રુપ પાસે યુકેમાં 30 પ્રોપર્ટીઝનો પોર્ટફોલિયો છે, જેમાં ઇન્ટરકોન્ટિનેન્ટલ લંડન – ધ ઓ-2, સોફિટેલ લંડન હિથ્રો અને ફેરમોન્ટ વિન્ડસર પાર્ક સહિત હિથ્રો, ગેટવિક અને સ્ટેન્સ્ટેડ એરપોર્ટની આજુબાજુ ડઝનથી વધુ હોટલો, રહેણાંક અને કોમર્શીયલ ઓફિસ યુનિટનો સમાવેશ થાય છે. અરોરા ગ્રુપ ત્રણ ભાગથી બનેલુ છે: અરોરા હોટેલ્સ, ગ્રોવ ડેવલપમેન્ટ્સ અને અરોરા પ્રોપર્ટી. અરોરા હોટેલ્સ સ્વતંત્ર અને ફ્રેન્ચાઇઝ્ડ પ્રોપર્ટીઝની માલિકી ધરાવે છે અને તેનું સંચાલન કરે છે.
અરોરા ગ્રુપના સ્થાપક અને અધ્યક્ષ, સુરિંદર અરોરાએ જણાવ્યું હતું કે “કોવિડ-19 એ અમારા ક્ષેત્ર માટે અનેક પડકારો ઉભા કર્યા છે, પરંતુ અમે 2008ની નાણાકીય કટોકટી દરમિયાન જોયું હતું તેમ આર્થિક ગરબડ સમયે અનન્ય તકો ઉભી થાય છે. ઘણા લોકો આ નુકસાનનો બચાવ કરવા મથી રહ્યા છે ત્યારે ઓકનોર્થ બેંકની આ લોન અમને આ તકોનો લાભ લેવા અને બિઝનેસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની આર્થિક તરલતા પૂરી પાડે છે.”
અરોરા ગ્રુપના એડવાઇઝરી બોર્ડના વાઇસ ચેરમેન સ્ટીવ પેટેમેને કહ્યું હતું કે “મેં ત્રણ દાયકાઓ સુધી હાઈ-સ્ટ્રીટ બેંકો આરબીએસ, સેન્ટાન્ડર અને શૉ-બ્રુક માટે કામ કર્યું છે, તેથી હું ખરેખર કહી શકું છું કે ઓકનોર્થ એક એવી બેંક છે જે પરિસ્થિતિઓને જુદી રીતે સંભાળી પરિસ્થિતિને પડકારે છે. તેમની ટીમની ગતિ અને પારદર્શિતા, તેમજ તેમની વ્યાવસાયિક કુશળતાથી હું પ્રભાવિત થયો હતો.”
ડેબ્ટ ફાઇનાન્સના વડા બેન બાર્બનેલ અને ઓકનોર્થ બેન્કના સિનીયર ડેબ્ટ ફાઇનાન્સ ડાયરેક્ટર મોહિથ સોંધીએ જણાવ્યું હતું કે “અરોરા ગ્રુપ યુકેની સૌથી ઝડપથી વિકસતી અને સૌથી સફળ ખાનગી માલિકીની કંપનીઓમાંની એક છે. ગ્રુપનો 20 વર્ષનો ટ્રેક રેકોર્ડ જ તેમને માટે બોલે છે અને કોવિડ-19ના પડકારો હોવા છતાં અરોરા ગ્રુપ હજી પણ તેના પોર્ટફોલિયોમાં વિકાસ માટે રસપ્રદ તકો ઓળખવામાં સક્ષમ છે. અમને આ ગ્રુપને ટેકો આપવા માટે સક્ષમ હોવાનો આનંદ છે અને રિલેશનશિપને આગળ વધારવાની રાહ જોઈ રહ્યા છીએ.’’