Home Secretary, Priti Patel
Home Secretary, Priti Patel (Photo by Christopher Furlong/Getty Images)

હોમ સેક્રેટરી પ્રીતિ પટેલની આગામી સપ્ટેમ્બરમાં થનારી એમ્પલોયમેન્ટ ટ્રિબ્યુનલની સુનાવણી પહેલાં પૂછપરછ કરવામાં આવે તેવી સંભાવના છે. તે પછી તેમના ભૂતપૂર્વ પરમેનન્ટ સેક્રેટરી સર ફિલિપ રૂત્નમના કન્સ્ટ્રક્ટીવ ડીસમીસલના દાવાને તેમના વકીલો આગળ ધપાવશે. હોમ સેક્રેટરી, તેમના વિભાગ અને ડાઉનિંગ સ્ટ્રીટને પણ રૂત્નમની વિદાય સંબંધિત તમામ પત્રવ્યવહારો જાહેર કરવા કહેવામાં આવ્યું છે.
આરોપ છે કે સાથી સિવિલ સર્વન્ટને કરાતા કથીત બુલીંઇંગમાં તેમની દરમિયાનગીરીને પગલે તેમને નોકરીમાંથી રાજીનામુ આપવા મજબૂર કરાયા હતા. હોમ ઓફિસના વકીલોને ટ્રિબ્યુનલનું શેડ્યૂલ મોકલવામાં આવ્યું છે જેમાં હોમ સેક્રેટરી પ્રીતી પટેલને જવાબદાર તરીકે ગણવામાં આવ્યા છે. બંને પક્ષોને જાન્યુઆરી સુધીમાં સ્વૈચ્છિક ધોરણે માહિતીની આપ-લે કરવાનું કહેવામાં આવ્યું છે. જુલાઈ સુધીમાં સાક્ષીઓના નિવેદનોની આપ-લે કરવામાં આવશે અને 10 સપ્તાહની સુનાવણી તા. 20 સપ્ટેમ્બરથી શરૂ થવાની છે. જેના કારણે પટેલ અને તેમને જાહેરમાં સમર્થન આપનાર બોરિસ જ્હોન્સન પર દબાણ વધશે. સરકાર તે બન્નેને ટ્રિબ્યુનલ સમક્ષ હાજર થવાના દબાણના કોઈપણ પ્રયત્નોનો પ્રતિકાર કરાશે એમ ગાર્ડીયને જણાવ્યું હતું.
રૂત્નમે 2019ના અંતમાં અને 2020ની શરૂઆતમાં હોમ ઑફિસમાં પટેલ દ્વારા વરિષ્ઠ સિવિલ સર્વન્ટ્સ સાથે કરાતા કથિત વર્તન સામે પડકાર ફેંક્યો હતો. રૂત્નમે ત્યારબાદ વિભાગના તમામ વરિષ્ઠ સિવિલ સર્વન્ટ્સને પત્ર લખીને કામના સ્થળે તણાવના જોખમો પર પ્રકાશ પાડ્યો હતો.
રૂત્નમે ગત તા. 29 ફેબ્રુઆરીના રોજ પોતાના ઘરની બહાર નિવેદનો વાંચીને રાજીનામું આપ્યું હતું અને આરોપ લગાવ્યો હોત કે પ્રીતી પટેલ તેમની સામે “દુષ્ટ” અભિયાન ચલાવી રહ્યા છે.
રૂત્નમ વ્હિસલ બ્લોઇંગ કાયદા હેઠળ “પ્રોટેક્ટેડ ડિસ્ક્લોઝર” નો દાવો કરી રહ્યા છે, જેનો અર્થ એ છે કે રૂત્નમના દાવા પર £ 85,000ના વળતરની ટોચમર્યાદા લાગશે નહિં અને તેમને મળનારા નુકસાન વળતરની કોઈ મર્યાદા રહેશે નહીં. સરકાર અને રૂત્નમે ગાર્ડીયનની કોઈ પણ ટિપ્પણીની વિનંતીનો જવાબ આપ્યો ન હતો.