પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતમાં મિશનરી અથવા તબલિધિ કે જર્નાલિસ્ટિક પ્રવૃત્તિમાં સામેલ થવા માગતા તમામ ઓવરશીઝ સિટિઝન ઓફ ઇન્ડિયા (ઓસીઆઇ) કાર્ડધારકોએ ભારત સરકારની વિશેષ પરવાનગી લેવી પડશે. જોકે ભારતના ગૃહ મંત્રાલયે OCI કાર્ડધારકોને કેટલીક મોટી રાહતો પણ આપી છે. આ મુજબ ડોમેસ્ટિક સેક્ટરમાં વિમાન ભાડામાં, નેશનલ પાર્ક, રાષ્ટ્રીય સ્મારક અને મ્યુઝિયમમાં એન્ટ્રી ફીના સંદર્ભમાં તેમને ભારતીય નાગરિકોની સમકક્ષ ગણવામાં આવશે.

ગુરુવારે રાત્રે એક નોટિફિકેશન જારી કરીને ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે OCI કાર્ડહોલ્ડર્સને કોઇપણ હેતુ માટે ભારતની મુલાકાત માટે મલ્ટિપલ એન્ટ્રી લાઇફલોંગ વિઝા મળશે. જોકે રિસર્ચ કરવા તથા કોઇ મિશનરી કે તબલિઘિ કે પર્વતારોહણ કે જર્નાલિસ્ટિક પ્રવૃત્તિ માટે ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસર કે ઇન્ડિયન મિશનની ખાસ પરવાનગી લેવી પડશે.

OCI કાર્ડ હોલ્ડર્સે ભારતમાં કોઇપણ વિદેશી ડિપ્લોમેટિક મિશન કે વિદેશી સરકારના સંગઠનોમાં ઇન્ટર્નશિપ કરવા કે ભારતમાં વિદેશી ડિપ્લોમેટિક મિશનમાં રોજગારી મેળવવા અથવા કેન્દ્ર સરકારે જાહેર કરેલા રક્ષિત કે નિયંત્રિત વિસ્તારોમાં આવતા સ્થળોની મુલાકાત લેવા માટે પણ સ્પેશ્યલ પરમિટ લેવી પડશે

માર્ચ 2020માં કોરોના મહામારીને પગલે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી અને લોકોના એકઠા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો ત્યારે નવી દિલ્હીમાં તબલિઘિ જમાતના હેડક્વાર્ટર્સમાં 2,500 સભ્યો ભેગા થયા હતા. સરકારે વિઝા નિયમોના ભંગ બદલ 233 વિદેશી તબલિધિ સભ્યોની ધરપકડ કરી હતી.

ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે OCI કાર્ડહોલ્ડર્સને ભારતમાં ગમે તેટલાં રોકાણ માટે હવે ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસર ((FRRO) અથવા ફોરેનર્સ રજિસ્ટ્રેશન ઓફિસર (FRO)માં રજિસ્ટ્રેશનમાંથી મુક્તિ આપવામાં આવશે, પરંતુ કાયમી રહેણાકના સરનામામાં અથવા ઓક્યુપેશનમાં ફેરફાર થાય ત્યારે સંબંધિત FRRO કે FROને જાણ કરવાની રહેશે.

OCI કાર્ડહોલ્ડર્સને ભારતીય બાળકોને દસ્તક લેવાના સંદર્ભમાં બિનનિવાસી ભારતીયો (એનઆરઆઇ)ની સમકક્ષ ગણવામાં આવશે. જોકે સંબંધિત સત્તાવાળાએ નિર્ધારિત કરેલી પ્રક્રિયાનું પાલન કરવું પડશે. આ ઉપરાંત નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ, જોઇન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન્સ (મેઇન્સ) કે બિનનિવાસી ભારતીય બેઠક સામે એડમિશન માટેની કોઇ ટેસ્ટ માટે તેમને એનઆરઆઇ સમકક્ષ માનવામાં આવશે.

OCI કાર્ડહોલ્ડર્સને ખેતીની જમીન કે ફાર્મ હાઉસ કે પ્લાન્ટેશન પ્રોપર્ટી સિવાયની સ્થાવર મિલકતોના વેચાણ કે ખરીદીમાં એનઆરઆઇ સમકક્ષ ગણાશે. આ ઉપરાંત ભારતમાં ડોક્ટર્સ, ડેન્ટિસ્ટ, નર્સ અને ફાર્માસિસ્ટ્સ જેવા પ્રોફેશન માટે પણ તેમને સમકક્ષ ગણવામાં આવશે.