REUTERS/Fabrizio Bensch/

કોરોનાના વધતા કેસને લીધે એક તરફ ટોક્યોમાં સરકારે ઈમરજન્સી લોકડાઉન જાહેર કર્યું હતું ત્યારે બહુમતિ નાગરિકોના ભારે વિરોધ વચ્ચે અંતે શુક્રવારે (23 જુલાઈ) ઓલિમ્પિક રમતોત્સવ સાદગીભર્યા અને જૂજ આમંત્રિતોની હાજરીમાં યોજાયેલ ઉદઘાટન સમારંભ પછી સ્પર્ધાઓનો આરંભ થયો હતો.

સ્ટેડિયમ ખાલી હોઈ ઉદઘાટન સમારંભ જાપાનના લોકો માટે પણ ટીવી શો બની રહ્યો હતો. માર્ચ પાસ્ટમાં જાપાનીઝ આલ્ફાબેટ પ્રમાણે ભારતની ટીમનો ક્રમ 21મો હતો. 19 એથ્લેટ્સના ડેલીગેશનનું નેતૃત્વ બોક્સર મેરી કોમ અને હોકીના કેપ્ટન મનપ્રીત સિંઘે કર્યું હતું.

ઉદઘાટન સમારંભમાં કલાકારો નજીક ન આવે તેથી અમુક આઈટમો અગાઉથી રેકોર્ડિંગ કરીને સ્ટેડિયમના જાયન્ટ સ્ક્રીન પર રજૂ કરાઈ હતી જે દર્શકો ઘેર બેઠા નિહાળતા હતા ત્યારે તેઓને એવું લાગતું હતું કે તેઓ સ્ટેડિયમમાં જીવંત પર્ફોરમન્સ જ જુએ છે. મોટા અંતર સાથે વીવીઆઈપી ગેલેરીમાં જાપાનના સમ્રાટ નારૂહિટો, વડાપ્રધાન સુગા, ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટિના પ્રમુખ થોમસ બાચ અને આયોજન સમિતિના વડા મ્યુટો બેઠા હતા. તેઓએ એકબીજાનું જાપાનની પરંપરા પ્રમાણે ગરદનથી ઝૂકીને અભિવાદન કર્યું હતું.

અમેરિકાના ફર્સ્ટ લેડી જિલ બાઈડેન અને ફ્રાંસના પ્રમુખ માક્રોન સૌથી મહત્વના મોંઘેરા મહેમાન હતા. વિશ્વના મોટાભાગના દેશોના વડાપ્રધાન કે પ્રમુખે ટોક્યોમાં હાજરી આપી નહોતી, ફક્ત 15 દેશોના નેતાઓ જ હાજર રહ્યા હતા.

ઉદઘાટન સમારંભનો પ્રારંભ થતાં જ જાપાન ઓલિમ્પિકની થીમના રંગ જાંબુડિયા અને સફેદ રંગની આતશબાજીથી આકાશ રાત્રિ પ્રકાશમાં ઝળહળી ઉઠયું હતું. સમારંભમાં 1000થી પણ ઓછા આમંત્રિતો હતા અને તેઓ પણ એકબીજાથી ઘણા દૂરના અંતરે બેઠા હતા. મોટાભાગના પ્રાયોજકો પણ ખસી રહ્યા હોઈ કોર્પોરેટ હસ્તીઓ પણ હાજર નહોતી.