ઓમ ફાઉન્ડેશન દ્વારા વૃદ્ધાવસ્થામાં વધતી એકલતાને દૂર કરવા માટે પ્રેમ, લાગણી અને માનવીય સંબંધોથી ભરપૂર કોફી કનેક્શન્સ કાર્યક્રમનું આયોજન કેનોન્સ હોલ, સ્ટેનમોર ખાતે કરવામાં આવ્યું હતું.
દર મહિને યોજાતા નિશુલ્ક કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વૃદ્ધોના જીવનમાં ઊર્જા, ઉત્સાહ અને ભાવનાત્મક જોડાણ જાળવી રાખવાનો છે.
કાર્યક્રમને પૂ. શ્રી રાજરાજેશ્વર ગુરુજીની પાવન ઉપસ્થિતિથી વિશેષ આસ્થાનો સ્પર્શ મળ્યો હતો. ગુરુજીએ જણાવ્યું હતું કે કોઈનો હાથ પકડીને સાથે બેસવું અને સમય આપવો એ સૌથી મોટું દાન છે.
પ્રણવભાઈ વોરા, નિરવભાઈ પટેલ, અવની મોડાસિયા અને ઓમ ફાઉન્ડેશનની ટીમ દ્વારા આ ઉત્કૃષ્ટ પહેલ હેઠળ વડીલ મહેમાનોને માટે સંવાદિતાનો માહોલ ઊભો કરવામાં આવ્યો છે. આ પ્રસંગે ફિઝિયોથેરાપી સેશન્સ અને સંગીત સાથેની બ્રેઇન એક્સર્સાઈઝનું પણ સુંદર આયોજન કરાયું હતું.
