મહાવીર ફાઉન્ડેશન દ્વારા પ્રખ્યાત આધ્યાત્મિક માર્ગદર્શક શ્રી દીપકભાઈ શાહ (બારડોલી)ના નેતૃત્વમાં બે દિવસીય સ્વાધ્યાય શિબિરનું આયોજન તા. 26 અને 27 જુલાઈના રોજ નોર્થવેસ્ટ લંડનના કિંગ્સબરી હાઇ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. “સુખના સાત પગલાં” પ્રવચનની થીમે જૈન ફિલસૂફીના કાલાતીત ઉપદેશોને સાંભળવા માટે સેંકડો ઉત્સુકોને આકર્ષ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત પૂ. રાજરાજેશ્વર ગુરુજી, સ્વામિનારાયણ કુમકુમ મંદિરના સંતો સ્વામી પ્રેમવત્સલદાસજી અને સ્વામી હરિકૃષ્ણસ્વરૂપદાસજી તથા હેરોના મેયર કાઉન્સિલર અંજના પટેલ દ્વારા દીપ પ્રાગટાવીને કરાઇ હતી.
શ્રી દીપકભાઈએ તેમની આકર્ષક શૈલીમાં શ્રોતાઓને સાચા આંતરિક આનંદ તરફના સાત શક્તિશાળી પગલાં દ્વારા માર્ગદર્શન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘’આગામી પેઢીને આપણા મૂલ્યો, સંસ્કૃતિ અને આધ્યાત્મિક મૂળ સાથે જોડવા જરૂરી છે. કોઈને દુઃખ ન આપો અને ક્યારેય કોઈના દુઃખનું કારણ ન બનો. હંમેશા બીજાના દુઃખમાં ભાગ લો અને કરુણા તથા સેવા દ્વારા બીજાના બોજને હળવો કરો. ખુશી ફેલાવો અને તેને બધા સાથે ઉજવો. ગુસ્સો છોડી મિત્રો બનાવો અને દુશ્મનાવટને ઓગાળી દો. ઈર્ષ્યા ટાળો અને સંપત્તિનો સંગ્રહ કરવાને બદલે ભક્તિ સાથે સંસાધનો અને સદ્ભાવના વહેંચો. અને છેલ્લે મૃત્યુથી ડરશો નહીં. ભગવાનના માર્ગદર્શનને અનુસરીને તેને શ્રદ્ધા અને આનંદથી સ્વીકારો.’’
મહાવીર ફાઉન્ડેશનના પ્રમુખ નિરજ સુતરિયા, ઉપપ્રમુખ મુકેશ કાપાશી અને સમર્પિત ટીમે ઉપસ્થિતો અને ખાસ મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ભારતના બિરેનભાઈ શાહ અને ઓસ્ટ્રેલિયાના નીતિનભાઈ દોશીને વૈશ્વિક આધ્યાત્મિક સમુદાયમાં તેમના અમૂલ્ય યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.
