વિશ્વના 89 દેશોમાં ઓમિક્રોન વેરિયન્ટ ફેલાયો છે અને કમ્યુનિટી ટ્રાન્સમિશન ઊંચું છે તેવા સ્થળો પર આ નવો વેરિયન્ટ ડેલ્ટા વેરિયન્ટ કરતાં વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ સ્થળો પર 1.5થી 3 દિવસના સમયમાં કેસો બમણા થઈ રહ્યાં છે, એમ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ જણાવ્યું છે.

‘ઓમિક્રોન માટે તૈયારીમાં વધારોઃ સભ્ય રાષ્ટ્ર માટે ટેકનિકલ માહિતી અને પ્રાયોરિટી એક્શન’ નામના અહેવાલમાં શુક્રવારે WHOએ જણાવ્યું હતું કે હાલના ઉપલબ્ધ ડેટાના આધારે એવી સંભાવના છે કે કમ્યુનિટી ટ્રાન્સમિશન થયું છે ત્યાં નવો વેરિયન્ટ ડેલ્ટાને વટાવી જશે.

રીપોર્ટમાં જણાવ્યા અનુસાર વસતિની ઇમ્યુનિટી ઊંચી છે તેવા દેશોમાં પણ ઓમિક્રોન ઝડપથી ફેલાઈ રહ્યો છે અને ઝડપી ગ્રોથરેટથી ઇમ્યુનિટીનું કેટલું ધોવાણ થશે તે અંગે અનિશ્ચિતતા છે. 16 ડિસેમ્બર 2021 સુધીમાં WHOના તમામ છ રિજનના 89 દેશોમાં ઓમિક્રોન વેરિયન્ટનના કેસ નોંધાયા છે. વધુ ડેટા ઉપલબ્ધ થવાથી ઓમિક્રોન વેરિયન્ટ અંગેની વધુ માહિતી મળી શકશે.

વિશ્વ આરોગ્ય એજન્સીએ જણાવ્યું હતું કે એવો સાતત્યપૂર્ણ પુરાવા છે કે ડેલ્ટા કરતાં ઓમિક્રોન વધુ ઝડપથી ફેલાવાની ક્ષમતા ધરાવે છે. કમ્યુનિટી ટ્રાન્સમિશન સાથેના દેશોમાં તે ડેલ્ટા વેરિયન્ટ કરતાં ઘણા વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ઓમિક્રોનનો ચેપ કેટલો ગંભીર બની શકે છે તે અંગે હજુ મર્યાદિત ડેટા છે. ગંભીરતાની માહિતી મેળવવા માટે વધુ ડેટાની જરૂર છે. વેક્સિનેશન અને અગાઉથી ઉપલબ્ધ ઇમ્યુનિટીથી ગંભીર સ્થિતિ સામે કેટલું રક્ષણ મળે છે તે અંગે અનિશ્ચિતતા છે.