કોરોનાના નવા સાઉથ આફ્રિકન વેરિઅન્ટ-ઓમિક્રોનનો વિશ્વભરમાં ફેલાવો વધી રહ્યો છે. ભારતમાં પણ તેના કેસની સંખ્યામાં ધીમો વધારો જોવા મળ્યો છે. આજે બોલીવૂડની બે અભિનેત્રીઓ કરીના કપૂર અને અમૃતા અરોરાને પણ કોરોનાનું સંક્રમણ લાગ્યું છે. તે બંને હંમેશા વિવિધ પાર્ટીમાં વારંવાર સાથે જોવા મળે છે. મુંબઇના આરોગ્ય અધિકારીઓના અનુસાર તે બંને દ્વારા આ સંક્રમણ વધુ ફેલાઇ શકે છે, કારણ કે તે બંનેએ અનેક પાર્ટીમાં સાથે હાજરી આપી હતી. સાવચેતી માટે આરોગ્ય વિભાગે તેમની સાથે સંકળાયેલા અન્ય સેલીબ્રિટીઝનો સંપર્ક કરવાનું શરૂ કર્યું છે.
કહેવાય છે કે, કરીના કપૂરે થોડા દિવસ અગાઉ પોતાના ખાસ મિત્રો સાથે પાર્ટી કરી હતી. જેમાં તેની બહેન કરિશ્મા, અમૃતાની મોટી બહેન મલાઈકા અરોરા, નીના ગુપ્તાની દીકરી મસાબા ગુપ્તા પણ હતા. આ પાર્ટી અનિલ કપૂરની દીકરી રિયા કપૂરના ઘરે 7 ડિસેમ્બરે યોજાઈ હતી. આ ઉપરાંત કરણ જોહરના ઘરે યોજાયેલ એક પાર્ટીમાં પણ કરીના કપૂર ગઇ હતી. ખાસ વાત તો એ છે કે કરીનાને નાના બે પુત્રો પણ છે, જેમાં જેહની ઉંમર માત્ર દસ મહિના જ છે. તાજેતરમાં કોરોનાની નવી લહેરમાં દક્ષિણ ભારતીય ફિલ્મોના જાણીતા અભિનેતા કમલા હસન, ઉર્મિલા માતોંડકર તથા તનિષા મુખર્જી પણ કોરોનામાં સપડાયા હતા. મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ઓમિક્રોનનું જોખમ વધી રહ્યું છે. અન્ય રાજ્યની સરખામણીએ મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધુ દર્દીઓ છે. મુંબઈમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં 17 લોકો આ વેરિઅન્ટથી સંક્રમિત થઇ ગયા છે અને તેમાંથી 8 લોકો સાજા પણ થઇ ગયા છે.