ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે.
આ દરમિયાન ઓમિક્રોનથી સંક્રમિત દર્દીઓ પૈકી 183 કેસનો નિષ્ણાતોએ અભ્યાસ કર્યો છે અને તેમાં એવી માહિતી સામે આવી હતી કે, આ પૈકીના 50 ટકા દર્દીઓ કોરોના રસીના બંને ડોઝ લીધા હોવા છતાં વાઇરસથી સંક્રમિત થયા છે. જોકે, આ અભ્યાસમાં એવું પણ સામે આવ્યું છે કે, ઓમિક્રોનથી સંક્રમિત 70 ટકા લોકોમાં કોઈ લક્ષણ દેખાયા નથી.
કેન્દ્ર સરકારે આ અભ્યાસના પરિણામો જાહેર કરીને એ વાત પર ભાર મુકયો છે કે, માત્ર રસીથી આ મહામારી રોકવી મુશ્કેલ છે. માસ્ક અને સંક્રમિત દર્દીઓ પર નજર રાખવી પણ એટલી જ જરૂરી છે, જેથી તેની ચેનને તોડી શકાય.
જે દર્દીઓના કેસનો અભ્યાસ કરાયો છે તે પૈકીના 27 ટકાએ કોઈ વિદેશ યાત્રા કરી નથી. જેનો અર્થ એ થયો કે, લોકોની વચ્ચે ઓમિક્રોન મોજૂદ છે. 183માંથી માત્ર 3 એવા હતા જેમણે રસીનો એક પણ ડોઝ લીધો નહોતો.
કોવિડ ટાસ્ક ફોર્સના પ્રેસિડેન્ટ ડો. વી. કે. પોલે ચેતવણી આપતા કહ્યું છે કે, ઓમિક્રોન વેરિએન્ટ ઘરોમાં ટ્રાન્સમિટ થાય તેનું જોખમ ડેલ્ટા વેરિએન્ટ કરતા વધારે છે. ઓમિક્રોનથી આ ખતરો ઘણો વધારે છે. એટલે એક જવાબદાર નાગરિકે માસ્ક પહેરવું જોઇએ, હાથને સેનિટાઈઝ કરવું જોઇએ અને ભીડમાં જવાનું ટાળવું જોઇએ. કોઇ ખાસ કારણ વગર મુસાફરી કરવી જોઇએ નહીં. ડો.પોલે કહ્યું હતું કે, હેલ્થ સિસ્ટમે સંપૂર્ણપણે સતર્ક રહેવાની જરુર છે. મહામારીને કાબૂમાં કરવા માટે પ્રાઈવેટ હોસ્પિટલોનો બહુ મોટો રોલ હશે. તેમણે દવાઓની ઉપલબ્ધતા અને ઓક્સિજન પર ધ્યાન આપવાની જરુર છે.