ગુજરાતના વાર્ષિક બજેટનું કુલ કદ રૂ. 2.23 લાખ કરોડની સાથે દેશમાં નવમા ક્રમનું બજેટ છે પરંતુ ગુજરાત રાજ્યની કુલ વાર્ષિક આવક (GSDP-કુલ ઘરગથ્થુ ઉત્પાદન) રૂ. 17.78 લાખ કરોડ સાથે દેશમાં પાંચમા ક્રમે છે. રૂ. 21,536ની વાર્ષિક માથાદીઠ મહેસૂલી આવક અને રૂ. 19,041ના માથાદીઠ વાર્ષિક ખર્ચ સાથે દેશમાં ગુજરાતનો ક્રમ સાતમો છે. ગત બજેટની સરખામણીમાં વર્ષ 2021-22ના બજેટમાં ગુજરાતમાં દેશમાં સૌથી ઓછો એટલે કે માત્ર રૂ. 6046 કરોડનો જ વધારો થયો હતો.
ઉલ્લેખનીય છે કે, રાજ્યોના વાર્ષિક બજેટના કુલ કદમાં રૂ. 5.50 લાખ કરોડની સાથે ઉત્તર પ્રદેશ મોખરે છે. મહારાષ્ટ્રનો ક્રમ રૂ. 4.48 લાખ કરોડ સાથે બીજો છે. વાર્ષિક બજેટના કુલ કદમાં ગુજરાત કરતાં રાજસ્થાન, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક મધ્યપ્રદેશ અને આંધ્ર પ્રદેશ જેવા રાજ્યો આગળ છે. આ એવા રાજ્યો છે કે, જેઓ સમૃદ્ધિમાં ગુજરાતથી પાછળ છે પણ તેમની સરકારોના બજેટના કદ ગુજરાત કરતાં મોટા છે. રાજ્ય સરકારો દ્વારા તેમના બજેટમાંથી માથાદીઠ જે મહેસૂલી આવક મેળવાય છે અને માથાદીઠ મહેસૂલી જે ખર્ચ કરાય છે તેમાં પણ ગુજરાત દેશમાં સાતમા ક્રમે છે. આ શ્રેણીમાં રૂ. 33,286ની માથાદીઠ આવક અને રૂ. 32,957ના માથાદીઠ ખર્ચ સાથે કેરળ દેશમાં પ્રથમ નંબરે છે પછી, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક જેવા દક્ષિણના રાજ્યો પછી મહારાષ્ટ્ર અને રાજસ્થાનનો ક્રમે આવે છે.