વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ ચેતવણી આપી છે કે, ઓમિક્રોનનો પેટા વેરિયન્ટ BA.2 ખૂબ જ ઝડપથી વિશ્વભરમાં ફેલાઇ રહ્યો છે અને અત્યાર સુધીમાં 57 દેશો તેમાં સપડાયા છે.
ઓર્ગેનાઇઝેશને જણાવ્યું છે કે, જે ઝડપથી આ વેરિયન્ટ ફેલાઇ રહ્યો છે તેને જોતા આવનારા દિવસોમાં તે જોખમી સાબિત થઇ શકે છે. અત્યારે ઓમિક્રોનના બહાર આવેલા કેસમાં આ સ્ટ્રેઇન સાથે જોડાયેલા કેસની સંખ્યા 96 ટકા જેટલી છે. સાથે જ 10 અઠવાડિયા અગાઉ કોવિડ-19નો ઓમિક્રોન વેરિયન્ટ બહાર આવ્યા પછી અત્યાર સુધીમાં સંક્રમણના નવ કરોડથી વધુ કેસ જોવા મળ્યા છે. આ આંકડા વર્ષ 2020માં બહાર આવેલા કુલ કેસથી પણ વધુ છે. ઓર્ગેનાઇઝેશને જણાવ્યા પ્રમાણે ગત એક મહિનામાં વિશ્વભરમાંથી લેવાયેલા સેમ્પલમાંથી 93 ટકા ઓમિક્રોન વેરિયન્ટના હતા.
જેમાં ઓમિક્રોનના જુદા જુદા સ્ટ્રેઇન BA.1, BA.1.1, અને BA.3 આવી ગયા છે, તેમાંથી BA.1 અને BA.1.1 પ્રથમ ઓમિક્રોન છે, જે ઓળખવામાં આવ્યા છે. કહેવાય છે કે, BA.2 વેરિયન્ટ ઘણીવાર RT-PCR ટેસ્ટમાં પણ પકડાતો નથી, આથી વૈજ્ઞાનિકો BA.2ને ઓમિક્રોનનો છૂપાયેલો સ્ટ્રેઇન કહે છે.
કેટલાક જીનેટિક ફેરફારોને કારણે વાઇરસના આ સ્ટ્રેઇનની તપાસ કરવામાં મુશ્કેલી પડી રહી છે. BA.2 ઓમિક્રોનના મૂળ સ્ટ્રેઇનથી પણ વધુ છૂપાઇને રહેવામાં સક્ષમ છે. ઓમિક્રોનના મૂળ સ્ટ્રેઇનમાં કેટલાક એવા જીનેટિક ફેરફારો થયા છે, જેની મદદથી વૈજ્ઞાનિકો પીસીઆર ટેસ્ટ દ્વારા તેને ઓળખી શકે છે અને એ જાણવા મળે છે કે, વેરિયન્ટ ડેલ્ટાથી જુદો છે. BA.2ની જીનેટિક ઓળખ ઓમિક્રોનથી જુદી હોવાને કારણે તેની તપાસમાં સમસ્યા ઊભી થઇ રહી છે. તાજેતરમાં સ્ટેટેંસ સીરમ ઇન્સ્ટિટ્યૂટના નેતૃત્વમાં સંશોધકોને જણાયું કે, BA.2 વેરિયન્ટ 39 ટકા ક્ષમતા સાથે લોકોને પોતાનો શિકાર બનાવે છે, જ્યારે BA.1ના કેસમાં આ આંકડો 29 ટકા છે. ઓછા સમયમાં વધુ લોકોને BA.2ના સંક્રમણ થવાનું મુખ્ય કારણ આ પણ માનવામાં આવી રહ્યું છે.
ઇન્સ્ટિટ્યૂટના સંશોધકોને એ પણ જાણવા મળ્યું કે, સંપૂર્ણ રસીકરણ કરાવી ચૂકેલા અથવા તો બૂસ્ટર ડોઝ લીધેલા લોકોની સરખામણીએ રસી ન લેનાર લોકોમાં BA.1 અને BA.2થી સંક્રમિત થવાની સંભાવના વધુ રહે છે.