ભારતના કોવિડ રસીકરણ કાર્યક્રમમાં મુખ્ય ધારામાં કાર્યરત હેલ્થ વર્કર્સ કહે છે કે સરકારી લક્ષ્યાંકો પૂરા કરવાના દબાણને કારણે જે લોકોએ રસીના બંને ડોઝ નથી લીધા તેમની બંને ડોઝનું રસીકરણ થયેલ છે તેવી સત્તાવાર નોંધણી કરવામાં આવી રહી છે. આ કર્મચારીઓએ વિગત આપતા જણાવ્યું હતું કે, જે લોકો એપોઇન્ટમેન્ટમાં હાજર ન હતા તેમના માટે તેમના પ્રથમ ડોઝની વિગતનો ઉપયોગ કરીને અને તેમના મોબાઇલ ફોન પર મોકલવામાં આવેલા કોડને અવગણવાનું પસંદ કરીને, બીજી રસીના ડોઝની ખોટી રીતે નોંધણી કરવાનું સરળ હતું.
આ અંગે ઉત્તર પ્રદેશના હેલ્થ વર્કર આદિત્યએ જણાવ્યું હતું કે, તેમાં કોઈ ટેકનિકલ ખામી નથી, તેણે વિનંતી કરી હતી કે ભયને કારણે ફક્ત તેમના પ્રથમ નામનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ‘આ મુદ્દો રસીકરણ કરાયેલ લોકોની સંખ્યા વધારવા માટે અમારા પર અભૂતપૂર્વ દબાણનો છે.’
તમામ નાગરિકોની રસીની સ્થિતિ CoWIN નામના સરકાર દ્વારા નિર્મિત પ્લેટફોર્મ પર નોંધવામાં આવે છે. CoWIN રસીકરણ પ્રમાણપત્રો વૈશ્વિક સ્તરે અધિકૃત છે અને લોકો તેના આધારે રાજ્યોની અંદર અને ઇન્ટરનેશનલ મુસાફરી કરી શકે છે, તેમાં એવા દેશોનો સમાવેશ થાય છે કે જે માત્ર સંપૂર્ણ રસી લીધેલી હોય તેવા મુસાફરોને જ સ્વીકારતા હોય છે.
ભારતમાં દરેકને રસી અપાવવા માટે સરકારે વર્ષ 2021ના અંત સુધીની સમયમર્યાદા નક્કી કરી હતી, જે ચૂકી ગઈ છે. અધિકૃત આંકડામાં પ્રમાણે, પુખ્ત વસ્તીના 75 ટકા લોકોએ બંને ડોઝ લઇ લીધા છે. ગત અઠવાડિયે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે, ‘એ બધા પર ગર્વ છે જેઓ આપણા રસીકરણ અભિયાનને સફળ બનાવી રહ્યા છે’.
જોકે, આ અંગે અખબાર સાથે વાત કરતા હેલ્થ વર્કર્સે આરોપ મુક્યો હતો કે, રસીના આંકડા સાથે છેડછાડ કરવામાં આવી રહી છે, અને એવો અંદાજ છે કે શહેરી વિસ્તારોમાં 20થી 35 ટકા લોકોને છેતરપિંડીથી રસીના બંને ડોઝ આપવામાં આવ્યા હતા. ગ્રામીણ વિસ્તારોમાં તેમનો અંદાજ છે કે આ આંકડો 40 ટકાથી 60 ટકા જેટલો ઊંચો હોઈ શકે છે. જોકે, સરકારે એક નિવેદનમાં રસી સંબંધિત આવી કોઈપણ છેતરપિંડી થઈ રહી હોવાનો ઇનકાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, રસીની દરેક ટીમ પાસે ‘વેરિફાયર’ હોય છે જેનું એકમાત્ર કામ રસીકરણ કરાયેલ લોકોની ઓળખની ખાતરી કરવાનું હોય છે.
કોવિન (CoWIN) સિસ્ટમ એક સર્વ સમાવેશક પ્લેટફોર્મ છે અને તેને સમગ્ર દેશમાં મોબાઇલ અને ઇન્ટરનેટની ઉપલબ્ધતાની મર્યાદાઓ અને પડકારોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. કોઈપણ ભૌતિક, ડિજિટલ અથવા સામાજિક આર્થિક અવરોધોને ધ્યાનમાં લીધા વગર, યોગ્યતા ધરાવતી દરેક વ્યક્તિ રસીકરણ કરાવી શકે છે તેની ખાતરી કરવા માટે જરૂરી સુવિધાઓ અને અનુકૂળતા CoWINમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે.