(ANI Photo)

વાવાઝોડુ બિપરજોય ગુરુવાર, 15 જૂનની સાંજે કચ્છ જિલ્લામાં લેન્ડફોલ થવાની શક્યતાથી હોવાથી અત્યાર સુધીમાં કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં આશરે એક લાખ લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યાં છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તે સાંજે 4થી 8ની વચ્ચે કચ્છ જિલ્લાના જખૌ પોર્ટને ટકરાય તેવી શક્યતા છે.

હાલમાં ચક્રવાત બિપરજોય ગુજરાતના દરિયાકાંઠાથી 200 કિમીથી ઓછા અંતરે છે. ભારતના હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, તે સૌરાષ્ટ્ર અને કચ્છ તથા માંડવી અને કરાચી વચ્ચેના જખૌ બંદર નજીકથી પસાર થશે.
કેટેગરી 3ના “ખૂબ જ ગંભીર ચક્રવાતી વાવાઝોડા” તરીકે વર્ગીકૃત કરાયેલા બિપરજોય વાવાઝોડાથી મહત્તમ 115-125 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકવાની સંભાવના છે, બપોર પછી પવનની ઝડપ વધવાની શક્યતા છે

હવામાન કચેરીએ ઉમેર્યું હતું કે ચક્રવાત બિપરજોય દરિયાકાંઠે પહોંચતા વરસાદની તીવ્રતા વધશે, કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાઓમાં કેટલાંક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. કચ્છ જિલ્લામાં દરિયા કિનારેથી 10 કિમીના અંતરે આવેલા લગભગ 120 ગામોના લોકોને વહીવટીતંત્રે ખસેડ્યા છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ચક્રવાત માટેની તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક બેઠક મળી હતી. અત્યાર સુધીમાં કચ્છ, જામનગર, મોરબી, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથના આઠ દરિયાકાંઠાના જિલ્લાઓમાં લગભગ એક લાખ લોકોને કામચલાઉ આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવ્યા હોવાનું સરકારે જણાવ્યું છે.

નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની 18 ટીમો, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની 12, રાજ્યના માર્ગ અને મકાન વિભાગની 115 ટીમો અને રાજ્યના વીજળી વિભાગની 397 ટીમો વિવિધ દરિયાકાંઠાના જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવી છે.
સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આર્મી, નેવી, એરફોર્સ અને ભારતીય કોસ્ટ ગાર્ડ સહિત તમામ સશસ્ત્ર દળોએ ગુજરાતના સ્થાનિક લોકોને મદદ પૂરી પાડવા માટે જરૂરી તૈયારી કરી છે. આવતીકાલ (16 જૂન) સુધી માછીમારીની પ્રવૃત્તિઓ સ્થગિત કરવામાં આવી છે, બંદરો બંધ છે અને જહાજો લંગરવામાં આવ્યા છે, કારણ કે સમુદ્ર તોફાની બન્યો છે. ચક્રવાતને કારણે પ્રદેશમાં અત્યંત ભારે વરસાદ અને ભારે પવન સાથે હવામાન પ્રતિકૂળ બન્યું છે.

પશ્ચિમ રેલ્વેએ જણાવ્યું હતું કે મુસાફરોની સલામતી માટે સાવચેતીના પગલા તરીકે 76 ટ્રેનો રદ કરવામાં આવી છે. ગુજરાતના બે સૌથી પ્રસિદ્ધ મંદિરો – દેવભૂમિ દ્વારકામાં દ્વારકાધીશ મંદિર અને ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ મંદિર ગુરુવારે ભક્તો માટે બંધ રહેશે

વાવાઝોડુ બિપરજોય ગુરુવાર, 15 જૂને કચ્છના દરિયાકાંઠાને વિસ્તારને ટકરાવવાની શક્યતા હોવાથી ભારતના હવામાન વિભાગે બુધવારે સવારે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં રેડ એલર્ટ જારી કર્યો હતો. કેન્દ્રીય અને રાજ્ય મંત્રીઓએ મંગળવારે વિવિધ સ્તરે તૈયારીઓની સમીક્ષા કરી હતી. વાવાઝોડાની અસરને કારણે રાજ્યના 95 તાલુકામાં ભારે પવન સાથે મુશળધાર વરસાદ થયો હતો.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે રાષ્ટ્રીય રાજધાનીમાં ચક્રવાત ‘બિપરજોય’ માટેની તૈયારીઓની સમીક્ષા કરી હતી અને તમામ હિતધારકો અને અધિકારીઓને ‘શૂન્ય જાનહાનિ’ સુનિશ્ચિત કરવા અને સંભવિત નુકસાનને ઓછું કરવા નિર્દેશ આપ્યો હતો. આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ચક્રવાતથી પ્રભાવિત થઈ શકે તેવા રાજ્યના આઠ સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓના સાંસદોએ આ બેઠકમાં વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો હતો.

બિપરજોય ગુજરાતના દરિયાકાંઠે નજીક આવી રહ્યું છે ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદ થયો હતો. બુધવારે સવારે પૂરા થયેલા 24 કલાકમાં સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં 54 તાલુકાઓમાં 10 મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો. દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જામનગર, પોરબંદર અને જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો. આ સમયગાળા દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં સૌથી વધુ 121 મીમી વરસાદ નોંધાયો હતો, ત્યારબાદ દ્વારકા (92 મીમી) અને કલ્યાણપુર (70 મીમી)નો ક્રમ આવે છે.

ભારતીય હવામાન વિભાગ (IMD)એ એક બુલેટિનમાં જણાવ્યું હતું કે 15 જૂને ચક્રવાત ગુજરાતના દરિયાકાંઠે પહોંચશે ત્યારે વરસાદની તીવ્રતા વધશે, કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાઓમાં કેટલાંક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

 

LEAVE A REPLY

four × four =