Trump announced to run for the 2024 presidential election
(Photo by Joe Raedle/Getty Images)

સત્તાવાર ગોપનીય દસ્તાવેજોને પોતાના ઘરે લઈ જવાના કેસમાં અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ માયામીની કોર્ટમાં હાજર થયાં હતાં અને પોતાને નિર્દોષ હોવાની દલીલ કરી હતી. આની સાથે તેઓ ફેડરલ આરોપોના કેસમાં ન્યાયાધીશ સમક્ષ હાજર થનારા અમેરિકાના પ્રથમ ભૂતપૂર્વ પ્રમુખ બન્યાં હતાં. કોર્ટની બહાર તેમના સમર્થકોએ સૂત્રોચ્ચાર કર્યો હતો.

કોર્ટમાં ટ્રમ્પની આ ઐતિહાસિક હાજરી સાથે એક નવા કાનૂની જંગનો પ્રારંભ થયો છે, જે 2024માં પ્રેસિડન્ટની ચૂંટણીમાં માત્ર તેમની દાવેદારીને જ નહીં, પરંતુ તેમની વ્યક્તિગત સ્વતંત્રતાને પણ ગંભીર અસર કરી શકે છે. ટ્રમ્પ પ્રેસિડન્ટ હતા, ત્યારે તેમને કમાન્ડર ઇન ચીફ તરીકે ગોપનીય દસ્તાવેજોની યોગ્ય સંભાળ રાખી ન હતી અને તેઓ પોતાના ઘેર લઇ ગયા હોવાનો તેમના પર આરોપ છે. ટ્રમ્પે પોતાના માર-એ-લાગો નિવાસસ્થાનના બેડરૂમ, બાથરૂમ, શાવર અને અન્ય સ્થળોએ ગોપનીય દસ્તાવેજો ગેરકાયદેસર રીતે રાખ્યા હતા અને તપાસકર્તાએ માંગ્યા ત્યારે આપ્યા ન હતાં.

ટ્રમ્પે પોતાના લાક્ષણિક આક્રમક અંદાજ સાથે કોર્ટમાં હાજર થયા હતા. કોર્ટરૂમમાં હાજર થતાં પહેલા તેમણે ફરિયાદ પક્ષ સામે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી હતી અને ભારપૂર્વક જણાવ્યું કે તેઓ વર્ષોથી કાનૂની મુશ્કેલીઓમાંથી પસાર થયા છે. તેમણે કંઈ ખોટું કર્યું નથી અને રાજકીય બદઇરાદા સાથે તેમને હેરાન કરવામાં આવી રહ્યાં છે. કોર્ટ રૂમની બહાર તેમના સમર્થકોએ દેખાવો અને સૂત્રોચ્ચાર કર્યા હતા.

જોકે કોર્ટમાં તેઓ ચૂપચાપ અદબ વાળીને બેઠા હતા. જોકે ચહેરા પર ગુસ્સો દેખાતો હતો. ટૂંકી કોર્ટ કાર્યવાહીમાં તેમના વકીલે દલીલ કરી હતી કે ટ્રમ્પ દોષિત નથી. કોર્ટે તેમને પાસપોર્ટ સરન્ડર કરવાનો આદેશ આપ્યો ન હતો.

કોર્ટમાં ટ્રમ્પની હાજરી મહદઅંશે એક કાનૂની પ્રક્રિયા હતી. તેઓ પોર્નસ્ટારને પેમેન્ટ કરવાના કેસોમાં પણ ન્યૂયોર્કની કોર્ટમાં અગાઉ હાજર થયાં હતાં. આ વખતે પણ તેમને જસ્ટિસ ડિપાર્ટમેન્ટ પર હુમલા કર્યા હતા અને તેમની સામે કેસ દાખલ કરનારા સ્પેશ્યલ કાઉન્સેલને ટ્રપ હેટર કર્યા હતા.

LEAVE A REPLY

16 − two =