FILE PHOTO REUTERS/Mohammed Salem

ઇઝરાયેલ પર સોમવાર, 4 માર્ચે લેબોનોનથી છોડવામાં આવેલી એક એન્ટી ટેન્ક મિસાઇલ હુમલામાં એક ભારતીય નાગરિકનું મોત થયું હતું અને અન્ય બે ઘાયલ થયા હતાં. આ મિસાઇલ ઇઝરાયલના ઉત્તરીય સરહદી સમુદાય માર્ગાલિઓટ નજીકના બગીચામાં પડી હતી, જ્યારે ભારતીય નાગરિકો કામ કરી રહ્યાં હતાં, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. ત્રણેય પીડિતો ભારતના દક્ષિણના રાજ્ય કેરળના વતની છે.

આ ઘટનામાં કેરળના કોલ્લમ જિલ્લાના પતનીબિન મેક્સવેલનું મોત થયું થયું હતું. ઝિવ હોસ્પિટલમાં મૃતદેહની ઓળખ કરાઈ હતી. બુશ જોસેફ જ્યોર્જ અને પૌલ મેલ્વિન નામના કેરળવાસીઓને ઈજા થઈ હતી. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. બંને યુવાનોને ચહેરા પર અને શરીરના અન્ય ભાગો પર ઈજા થઈ હતી અને સર્જરી કરાઈ હતી.  ઈજાગ્રસ્ત યુવાનોએ ભારતમાં તેમના પરિવાર સાથે પણ ફોન પર વાતચીત કરી હતી.

આ હુમલો લેબનોનમાં શિયા હિઝબુલ્લાહ જૂથે કર્યો હોવાનું માનવામાં આવે છે. આ આતંકી સંગઠન ગાઝા પટ્ટીમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે હમાસના સમર્થનમાં 8 ઓક્ટોબરથી દરરોજ ઉત્તરી ઇઝરાયેલ પર રોકેટ, મિસાઇલ અને ડ્રોન છોડે છે.

વિદેશમાં યુદ્ધની સ્થિતિમાં ફસાઈ ગયા પછી ભારતીયોના મોતના કેસ વધી રહ્યા છે. તાજેતરમાં સુરતના એક યુવાનનું રશિયામાં મોત થયું હતું. આ યુવાન રશિયામાં સિક્યોરિટી હેલ્પર તરીકે જોડાયો હતો પરંતુ યુક્રેન બોર્ડર પર હુમલામાં તેનું મોત નિપજ્યું છે. ઈઝરાયલમાં યુદ્ધના કારણે કામદારોની અછત હોવાથી ભારતમાંથી ઘણા લોકોને લઈ જવામાં આવ્યા છે જેઓ ત્યાં બાંધકામ ક્ષેત્રમાં અથવા ખેતરોમાં કામ કરે છે.

LEAVE A REPLY

4 × four =