(ANI Photo)

આગામી વર્ષે લોકસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાજપ સામે લડત આપવા માટની વ્યૂહરચના ઘડવા માટે આશરે 26 વિરોધ પક્ષોના નેતાઓ સોમવાર, 17 જુલાઇએ બેંગલુરુમાં બે દિવસની બેઠક માટે એકઠા થયા હતા. બીજી તરફ સત્તાધારી એનડીએ પણ 38 પક્ષોના સમર્થન સાથે 18 જુલાઇએ બેઠક યોજીને શક્તિપરીક્ષણ કરશે

વિરોધ પક્ષો એકજૂથ થઈને ભાજપને લડત આપવાની વ્યૂહરચના ઘડવા માટે 17-18 જુલાઇએ બેંગલુરુમાં તેમની આવી બીજી બેઠક યોજી રહ્યાં છે. વિપક્ષની બેઠકના એક દિવસ પહેલા કોંગ્રેસે સ્પષ્ટતા કરી હતી કે કે તે સંસદમાં દિલ્હી વહીવટી સેવાઓ પરના કેન્દ્ર સરકારના વટહુકમનો વિરોધ કરશે. અહીં ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીએ શરત મૂકી હતી કે જો કોંગ્રેસ આ વટહુકમ અંગે તેનું વલણ સ્પષ્ટ નહીં કે તો તે વિપક્ષની બેઠકમાં સામેલ થશે નહીં. કોંગ્રેસની સ્પષ્ટતા પછી AAP નેતા રાઘવ ચઢ્ઢાએ કહ્યું હતું કે આજે કોંગ્રેસે દિલ્હી વટહુકમ વિરુદ્ધ તેનું વલણ સ્પષ્ટ કર્યું છે. અમે જાહેરાતને આવકારીએ છીએ. આનાથી AAP બેંગલુરુમાં વિપક્ષની બેઠકમાં હાજરી આપશે. જોકે ભાજપે આ મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે રાજકીય હતાશા અને અનિશ્ચિતતા કોંગ્રેસને ઘેરી વળી છે.

આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, એનસીપી સુપ્રીમો શરદ પવાર, ટીએમસી સુપ્રીમો અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, બિહારના મુખ્યમંત્રી અને જેડીયુ નેતા નીતિશ કુમાર, ડીએમકે નેતા અને તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન, જેએમએમના નેતા અને ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત સોરેન, દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ ઉપરાંત ભૂતપૂર્વ મુખ્યપ્રધાનો ઉદ્ધવ ઠાકરે અને લાલુ પ્રસાદ સહિતના ટોચના નેતાઓ સામેલ થયા હતા.

આ બેઠકમાં વિપક્ષના કોમન મિનિમમ પ્રોગ્રામ અંગે તથા કેન્દ્ર સામે સંયુક્ત આંદોલનની યોજના અંગે વિચારવિમર્શ થશે. કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાની ડિનર મીટિંગ સાથે બે દિવસની બેઠકનો પ્રારંભ થયો હતો. મંગળવારે બીજી ઔપચારિક બેઠક યોજાશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર વિપક્ષી નેતાઓ સંયુક્ત ઘોષણાપત્ર જારી કરવા અને લોકસભાની બહુમતી બેઠકો પર એક વિપક્ષી ઉમેદવારો ઊભા કરવાની દરખાસ્ત અંગે ચર્ચા કરશે. સોમવાર સાંજે ડિનર બેઠક પહેલા મંત્રણાનો એજન્ડા નક્કી કરાશે. 2024ની ચૂંટણીઓ માટે વિપક્ષી ગઠબંધન માટે કોમન મિનિમમ પ્રોગ્રામ અને કોમ્યુનિકેશન પોઈન્ટ્સનો મુસદ્દો તૈયાર કરવા માટે એક પેટા સમિતિની રચના કરવાની દરખાસ્ત છે. આ ઉપરાંત રેલીઓ, સંમેલનો અને આંદોલનો સહિતના વિપક્ષનો સંયુક્ત પ્રોગ્રામ તૈયાર કરવા માટે એક એક પેટા સમિતિની રચના કરવાની પણ યોજના છે. રાજ્યવાર ધોરણે બેઠકોની વહેંચણી નક્કી કરવાની પ્રક્રિયા અંગે ચર્ચા કરવાની યોજના પણ છે. વિપક્ષી નેતાઓ ઈવીએમના મુદ્દે પણ ચર્ચા કરી શકે છે અને ચૂંટણી પંચને સુધારા સૂચવી શકે છે. આ બેઠકમાં વિપક્ષના ગઠબંધનનું નામ પણ નક્કી થવાની ધારણા છે.

23 જૂને પટનામાં બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે યોજેલી વિપક્ષી એકતા માટેની પ્રથમ બેઠકમાં 15 પક્ષોએ હાજરી આપી હતી. આ વખતે 26 પક્ષોના નેતાઓની અપેક્ષા રાખીએ છીએ. શરદ પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના ભાગલા અને પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણીમાં વ્યાપક હિંસા વચ્ચે આ બેઠક યોજાઈ રહી છે. બંગાળની ચૂંટણીમાં હિંસાને બીજા ટીએમસી તથા કોંગ્રેસ-ડાબેરીઓએ એકબીજા પર આક્ષેપો કર્યા હતા.

 

LEAVE A REPLY

17 − 10 =