પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અમેરિકાના લોસ એન્જલસમાં આવતા વર્ષે 25 એપ્રિલે યોજાનારા 93મા એકેડમી એવોર્ડ્સ માટે ભારત દ્વારા મલયાલમ ફિલ્મ ‘જલીકટ્ટુ’ને મોકલાશે. ‘જલીકટ્ટુ’ની પસંદગી 27 ફિલ્મમાંથી થઇ છે. ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયાના 14 સભ્યોની એક કમિટીના ડાયરેક્ટર લિજો પેલ્લીસરીએ આ ફિલ્મને પસંદ કરી છે. ‘જલીકટ્ટુ’ શ્રેષ્ઠ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ ફોરેન લેન્ગવેજ કેટેગરીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ‘જલીકટ્ટુ’ ફિલ્મ કેરળના ઇડુક્કી જિલ્લાની વિવાદિત રમત પર આધારિત છે. તેમાં એક આખલાને મારતા પહેલાં ભીડ વચ્ચે છોડવામાં આવે છે. વર્ષ 2019માં ઝોયા અખ્તરની ફિલ્મ ‘ગલી બોય’ને 2020માં થયેલા 92મા ઓસ્કર અવોર્ડ માટે પસંદ કરવામાં આવી હતી. તે અગાઉ રીમા દાસની ‘વિલેજ રોક્સ્ટાર્સ’, અમિત મસુરકરની ‘ન્યુટન’, વેટ્રી મારનની ‘વિસારાનઈ’ અને ચૈતન્ય તામ્હણેની ‘કોર્ટ’ પણ ફોરેન લેન્ગવેજ કેટેગરીમાં મોકલવામાં આવી હતી. જોકે, અત્યાર સુધી આ કેટેગરીમાં કોઈપણ ભારતીય ફિલ્મને ઓસ્કાર મળ્યો નથી.