ભારતની મરી-મસાલા કંપની એમડીએચના સ્થાપક- સંચાલક મહાશય ધર્મપાલ ગુલાટીનું ગુરુવારે અવસાન થયું હતું. પદ્મભૂષણથી નવાજાયેલા ધર્મપાલ 97 વર્ષના હતા.

કોરોનાથી સાજા થઇ ગયા બાદ એમના પર હૃદયરોગનો હુમલો થયો હતો. તેમની કંપનીનું આખું નામ મહાશિયન દી હટ્ટી હતું, પરંતુ બજારમાં અને ગ્રાહકોમાં તે એમડીએચ બ્રાન્ડથી જાણીતું બન્યું હતું.

1923ના માર્ચની 27મીએ સિયાલકોટ (હાલ પાકિસ્તાન)માં જન્મેલા ધર્મપાલ ગુલાટી 1947માં ભાગલા પછી ભારતમાં રહેવા આવ્યા હતા ત્યારે તેમની પાસે રોકડા પંદરસો રૂપિયા હતા. શરૂઆતમાં તેમણે પાટનગરમાં ટાંગો ચલાવીને પરિવારનું ભરણપોષણ કર્યું હતું. થોડા પૈસા જમા થતાં દિલ્હીના કારોલ બાગ વિસ્તારમાં એક નાનકડી દુકાન ખોલી હતી અને પછી મરી મસાલા તૈયાર કરીને વેચતા હતા.
ભારત ઉપરાંત દુબઇ જેવા સ્થળે તેમની મરીમસાલાની 18 ફેક્ટરી છે. એમાં કુલ 62 પ્રોડક્ટ તૈયાર થઇને દુનિયાભરના દેશોમાં જાય છે. માત્ર પાંચ ચોપડી ભણેલા ધર્મપાલ ગુલાટીએ કોઠાસૂઝથી પોતાના ધંધાને આંતરરાષ્ટ્રીય લેવલે પહોંચાડ્યો હતો. પોતાની કંપનીની જાહેરખબરમાં ધંધાદારી મોડેલ્સને લેવાને બદલે એ પોતે રજૂ થતા અને પોતાની પ્રોડ્ક્ટસની વાત કરતા હતા.