ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ (OUP) ઇન્ડિયાએ બે દાયકા પહેલા પ્રકાશિત કરેલા એક પુસ્તકમાં છત્રપતિ શિવાજી મહારાજ અંગે કરેલા બિનપ્રમાણિત નિવેદનો બદલ શિવાજી મહારાજના 13 વંશજ ઉદયનરાજે ભોંસલે અને જાહેર જનતાની માફી માગી હતી.
એક અખબારમાં પ્રકાશિત જાહેર નોટિસમાં OUP ઇન્ડિયાએ સ્વીકાર્યું હતું કે 2003માં પ્રકાશિત “શિવાજી: હિન્દુ કિંગ ઇન ઇસ્લામિક ઇન્ડિયા” નામના પુસ્તકના પાના 31, 33, 34 અને 93 પર સમાવિષ્ટ કેટલાક નિવેદનો અપ્રમાણિત હતાં. આ પુસ્તક અમેરિકન લેખક જેમ્સ લૈનીએ લખ્યું હતું. તેના વિરોધમાં જાન્યુઆરી 2004માં પુણેના લો કોલેજ રોડ પર આવેલી પ્રખ્યાત ભંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (BORI)માં સંભાજી બ્રિગેડના 150થી વધુ કાર્યકરોએ તોડફોડ કરી હતી. કાર્યકારોએ આક્ષેપ કર્યો હતો કે આ સંસ્થાએ લેખકને મદદ કરી છે. લેખક પુસ્તકમાં શિવાજી મહારાજ વિશે વાંધાજનક ટિપ્પણીઓ કરી હતી.
નોટિસમાં પ્રકાશકે તે નિવેદનોના પ્રકાશન પર દિલગીરી વ્યક્ત કરી હતી અને છત્રપતિ ઉદયનરાજે ભોંસલે અને જનતાની તકલીફ અને વેદના બદલ માફી માંગી હતી.
પુસ્તકમાં છત્રપતિ શિવાજી મહારાજના જીવન અને તેમના પરિવાર વિશે કેટલીક એવી ટિપ્પણીઓ કરવામાં આવી હતી જેને ઈતિહાસકારો અને શિવાજી મહારાજના પ્રશંસકોએ અત્યંત અપમાનજનક અને પાયાવિહોણી ગણાવી હતી.
બોમ્બે હાઈકોર્ટની કોલ્હાપુર બેન્ચમાં ચાલી રહેલા કેસના આદેશનું પાલન કરતા OUP ઈન્ડિયાએ અખબારોમાં માફીનામું પ્રસિદ્ધ કર્યું હતું. OUPના માજી મેનેજિંગ ડિરેક્ટર સૈયદ મંજાર ખાન વતી આ માફી માંગવામાં આવી હતી. આ કેસ લાંબા સમયથી કોર્ટમાં પેન્ડિંગ હતો. અંતે હાઈકોર્ટના હસ્તક્ષેપ બાદ વૈશ્વિક સ્તરે નામી એવી આ સંસ્થાએ પોતાની ભૂલ સ્વીકારી હતી. અગાઉ આ પુસ્તક પર મહારાષ્ટ્ર સરકાર દ્વારા પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો હતો, તેનાથી લાંબી કાનૂની લડાઈ ચાલી હતી.













