ઝડપી બોલર મુસ્તફિઝુર રહેમાન વિવાદના પગલે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ની સ્થળ બદલવાની માંગણીને ઇન્ટરનેશન ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ બુધવારે ફગાવી દીધી હતી.આનો અર્થ એવો થાય છે કે T20 વર્લ્ડ કપ 2026ની મેચ રમવા બાંગ્લાદેશે ભારતમાં આવવું પડશે.
બાંગ્લાદેશમાં હિન્દુઓ પરની હિંસાને પગલે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માંથી રહેમાનની હકાલપટ્ટી કરાઈ હતી. તેનાથી BCBએ નારાજ થઈને આ વર્ષે દેશમાં IPL પ્રસારણ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો અને ICCને તેની T20 વર્લ્ડ કપ 2026 મેચ શ્રીલંકામાં ખસેડવાની વિનંતી પણ કરી હતી. જોકે જય શાહની અધ્યક્ષતાવાળી ટોચની ક્રિકેટ સંસ્થાએ બાંગ્લાદેશની વિનંતીને નકારી કાઢી છે.
વિવાદની શરૂઆત આઈપીએલમાં બાંગ્લાદેશના ખેલાડી મુસ્તફિઝુર રહેમાનના સમાવેશના મુદ્દે થોડા દિવસ પહેલા થઈ હતી. બાંગ્લાદેશમાં છેલ્લા થોડા દિવસોમાં લઘુમતી હિન્દુ સમુદાયના લોકોને ખાસ નિશાન બનાવી તેમના ઉપર જીવલેણ હુમલાના બનાવો સતત બની રહ્યા છે. ફક્ત ભારત નહીં, વિદેશી સરકારોએ પણ આ મુદ્દે ચિંતા વ્યક્ત કર્યા છતાં બાંગ્લાદેશની વચગાળાની સરકાર આ મુદ્દે કોઈ સંતોષકારક પગલાં નહીં લેતી હોવાના કારણે ભારતમાં કેટલાક લોકોએ બાંગ્લાદેશી ક્રિકેટરના ભારતમાં આઈપીએલમાં રમવા સામે વિરોધ શરૂ કર્યો હતો. વિવાદમાં મૂળભૂત રીતે તો રહેમાનની કેકેઆર ટીમના માલિક શાહરૂખ ખાનને પણ ભીંસમાં લેવાયો હતો. આખરે વિવાદ વકરતાં ભારતીય ક્રિકેટ બોર્ડે કોલકાતા નાઈટ રાઈડર્સને સૂચના આપી હતી કે, મુસ્તફિઝુરને ટીમમાંથી વિદાય કરી દેવામાં આવે. કેકેઆરને રહેમાનને આ મુદ્દે જાણ કર્યા પછી બાંગ્લાદેશના ઉશ્કેરાટની શરૂઆત થઈ હતી.
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે રવિવારે (ચોથી જાન્યુઆરી) આગામી ટી-20 ક્રિકેટ વર્લ્ડ કપમાં તેની ટીમની મેચો ભારતમાંથી ખસેડીને શ્રીલંકામાં આયોજિત કરવા વિનંતી કરી હતી. બાંગ્લાદેશ સરકારે ટીમની સલામતી અંગે ચિંતા દર્શાવી ટીમને ભારત નહીં મોકલવા ક્રિકેટ બોર્ડને સૂચના આપી હતી. તેના પગલે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે આઈસીસીને જણાવી દીધું છે કે તેમની ટીમની વર્લ્ડ કપની મેચો ભારત બહાર ખસેડી શ્રીલંકામાં ગોઠવવામાં આવે.













