નવી દિલ્હીમાં કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે અને હોસ્પિટલોમાં દાખલ દર્દીઓની સારવાર માટે જરૂરી ઓક્સિજનની પણ ગંભીર અછત છે. દિલ્હીની જયપુર ગોલ્ડન હોસ્પિટલમાં ઓક્સિજનની અછતના કારણે 25 દર્દીઓના મૃત્યુ થયા હોવાનું બહાર આવ્યું છે. બત્રા અને સર ગંગારામ હોસ્પિટલમાં પણ ઓક્સિજનની ભારે અછત છે અને થોડા સમય સુધી ચાલે તેટલો જ ઓક્સિજન તેમની પાસે ઉપલબ્ધ છે.
જયપુર ગોલ્ડન હોસ્પિટલના એમડી ડો. ડી. કે. બલૂજાના દાવા મુજબ ગઈકાલે સાંજે ઓક્સિજન પુરવઠાની તંગીના કારણે 20 અતિ ગંભીર દર્દીઓના મોત થયા હતા. બત્રા હોસ્પિટલમાં ઓક્સિજનનું એક ટેન્કર પહોંચી ગયું છે. બત્રા હોસ્પિટલના એમડી ડો. એસસીએલ ગુપ્તાના જણાવ્યા પ્રમાણે હોસ્પિટલને ટ્રક દ્વારા 500 કિલોગ્રામ ઓક્સિજન મોકલાવામાં આવ્યો છે જે ઓક્સિજન મળ્યા બાદના આગામી એક કલાક માટે પૂરતો છે. હોસ્પિટલમાં 260 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
દિલ્હીની જયપુર ગોલ્ડન હોસ્પિટલમાં આશરે 45 મિનિટ સુધી ચાલે એટલો ઓક્સિજન બચ્યો છે અને 215 દર્દીઓ દાખલ છે. હોસ્પિટલના ડો. બલૂજાએ રાજ્ય સરકાર અને અન્ય એજન્સીઓ પાસેથી ઓક્સિજન સપ્લાયની માંગણી કરી છે.