વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હવાઇ સર્વેક્ષણ દરમિયાનની તસવીર (PTI Photo)

ગુજરાતમાં 17મેએ ત્રાટકેલા તાઉતે વાવાઝોડાથી અસરગ્રસ્ત બનેલા ખેડૂતો માટે રાજ્ય સરકારે ગુરુવારે રૂ.500 કરોડના કૃષિ સહાય પેકેજની જાહેરાત કરી હતી. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રુપાણીના નેતૃત્વમાં યોજાયેલી કોર કમિટીની બેઠખમાં આ અંગેનો મહત્વનો નિર્ણય લેવાયો હતો. કોર કમિટીની બેઠકમાં નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ, કૃષિપ્રધાન આર. સી. ફળદુ, ઉર્જાપ્રધાન સૌરભ પટેલ તેમજ ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજા અને વરિષ્ઠ સચિવો સામેલ થયા હતા. જોકે વિરોધપક્ષ કોંગ્રેસ આ રાહત પેકેજને ખેડૂતોને મજાક ગણાવી હતી. ખેડૂતોએ પણ આ પેકેજનો વિરોધ કર્યો હતો.

સહાય પેકેજની જાહેરાત કરતાં વિજય રૂપાણી કહ્યું હતું કે, તાઉતે વાવાઝોડાની વ્યાપક અસર ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને બોટાદ એ પાંચ જિલ્લાઓ સાથે દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, વલસાડ, ભરૂચ જિલ્લાઓમાં પણ થઈ છે. આ ભયાનક વાવાઝોડાને લીધે રાજ્યના 86 તાલુકાઓમાં આશરે બે લાખ હેક્ટર વિસ્તારના કૃષિ અને બાગાયત પાકોને મોટાપાયે નુકસાન થયું છે.

તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, આંબા, નાળીયેરી, ચીકુ, લીંબુ જેવા બહુ વર્ષાયુ ફળાઉ વૃક્ષો પડી જવાના કે મૂળ સહિત ઉખડી જવાથી કાયમી નાશ પામવાના કિસ્સામાં રાજ્ય સરકારે પહેલીવાર હેક્ટર દિઠ મહત્તમ રૂ. એક લાખની ઐતિહાસિક સહાય, બે હેક્ટરની મર્યાદામાં આપવાનો નિર્ણય કર્યો છે.

રૂપાણીએ જણાવ્યું હતું કે બાગાયતી પાકોની ખેતીમાં ખેતી ખર્ચ ઘણો ઉંચો આવતો હોય છે અને ઉત્પાદનમાં નુકશાન થતાં ખેડૂતોએ ઘણું મોટું આર્થિક નુકશાન સહન કરવું પડતુ હોય છે તે સ્થિતિમાં રાજ્ય સરકારે એવો નિર્ણય કર્યો છે કે, બહુવર્ષાયું ફળ આંબા, ચીકુ, લીંબુ, નારિયેળ, જામફળ વગેરે પાકોમાં જ્યાં ઝાડ ઉભા છે, પરંતુ પાક ખરી પડ્યો છે અને 33 ટકાથી વધુ નુકસાન થયું છે તે માટે રૂ.30,000 પ્રતિ હેક્ટર સહાય વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં અપાશે.