ભારત સરકાર દ્વારા પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ વિવિધ ક્ષેત્રમાં યોગદાન આપનાર લોકોને પદ્મ એવોર્ડની જાહેરાત કરી છે. જેમાં સ્વ. CDS બિપિન રાવત અને કલ્યાણ સિંહને મરણોપરાંત પદ્મવિભૂષણ, સ્વામી સચ્ચિદાનંદ સહિત ગુજરાતના 8 મહાનુભાવોને પદ્મ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. જુદા જુદા ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન બદલ કુલ 128 લોકોને પદ્મ એવોર્ડ જાહેર થયા છે. જેમાં 4 લોકોની પદ્મવિભૂષણ, 17 લોકોની પદ્મભૂષણ અને 107 લોકોની પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. કોંગ્રેસના ગુલામનબી આઝાદ, વેક્સિન નિર્માતા સાઈરસ પૂનાવાલા, સત્યા નડેલા, સુંદર પિચાઈ વગેરેને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.
ગુજરાતમાંથી ડો. લતા દેસાઈ (મેડિસિન), માલજીભાઈ દેસાઈ (જાહેર બાબતો), ખલીલ ધનતેજવી (સાહિત્ય અને શિક્ષણ), સવજીભાઈ ધોળકિયા (સામાજિક કાર્ય), ડો. જયંતકુમાર મગનલાલ વ્યાસ (સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ) અને રમિલાબહેન ગામિત (સામાજિક કાર્ય)ને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે.