પાકિસ્તાનનના ખૈબર પખ્તુન્ખ્વા પ્રાંતમાં બુધવારે બાંધકામ મજૂરોને લઇને જતી બસ પર થયેલા હુમલામાં ચીનના નવ એન્જિનિયર્સ સહિત 13 લોકોના મોત થયા હતા REUTERS/Reuters Tv

પાકિસ્તાનનના ખૈબર પખ્તુન્ખ્વા પ્રાંતમાં બુધવારે બાંધકામ મજૂરોને લઇને જતી બસ પર થયેલા હુમલામાં ચીનના નવ એન્જિનિયર્સ સહિત 13 લોકોના મોત થયા હતા. આ હુમલો ખૈબર પખ્તુન્ખ્વા પ્રાંતના અપર કોહિસ્તાન જિલ્લાના દાસુ વિસ્તારમાં થયો હતો, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

દાસુ એરિયામાં ચીનના એન્જિનિયર્સ અને કામદારો એક ડેમ બનાવવામાં મદદ કરી રહ્યાં હતા. આ ડેમ 60 બિલિયન ડોલરના ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (CPEC)નો એક ભાગ છે.

ચાઈનિઝ નાગરિકો અને બીજા કર્મચારીઓ તથા સુરક્ષા કરી રહેલા સૈનિકો એમ 30 લોકોને લઈ જઈ રહેલી બસમાં બ્લાસ્ટ થયો હતો.જેમાં આઠ લોકોના મોત થયા છે. વિસ્ફોટ બાદ બસ ઊંડી કોતરમાં ગબડી પડી હતી.

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે જોરદાર ધમાકો થયો હતો અને બસ હવામાં ઉછળીને નીચે પડી હતી. આ પછી બસ ઊંડી કોતરમાં પડી હતી. ડેમના બાંધકામની કામગીરી કરી રહેલા જળ અને વીજળી વિકાસ સત્તાવાળાએ આ હુમલાને એક અકસ્માત ગણાવ્યો હતો.

ઇસ્લામાબાદમાં પાકિસ્તાનની વિદેશ ઓફિસે જણાવ્યું હતું કે ચીનના કામદારોને લઈને જઇ રહેલી બસ ટેકનિકલ ખામીને કારણે ગબડી પડી હતી અને ગેસ લીક થવાથી વિસ્ફોટ થયો હતો. આ ઘટનાની વધુ તપાસ ચાલુ છે. પાકિસ્તાન અને ચીન બંને મિત્ર દેશો છે અને પાકિસ્તાન ચીનના નાગરિકોની સુરક્ષાને પ્રાધાન્ય આપે છે. ચીનને આ બોંબ હુમલાની નિંદા કરી હતી અને આરોપીઓને કડક સજા કરવાની પાકિસ્તાન સરકારને તાકીદ કરી હતી.