પાકિસ્તાનની ૩૪ ટકા વસ્તીની દૈનિક આવક ફક્ત ૩.૨ ડોલર એટલે કે ૫૮૮ રૂપિયા છે, એમ વર્લ્ડ બેન્કે જણાવ્યું છે. નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલા પાકિસ્તાનના નવા નાણા પ્રધાન મિફતાહ ઇસ્માઇલને ફુગાવા સહિતના અનેક આર્થિક પડકારોનો સામનો કરવો પડશે.

વોશિંગ્ટન સ્થિત ધિરાણકર્તા દ્વારા જારી પાકિસ્તાન ડેવલોપમેન્ટ અપડેટ નામના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે સતત વધી રહેલા ફુગાવાને કારણે ગરીબ લોકોની સ્થિતિ વધુ કફોડી બનતી જાય છે. તેમની આવકનો મોટા ભાગનો હિસ્સો ફૂડ અને એનર્જી પાછળ ખર્ચાઇ રહ્યો છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ગરીબ લોકો પોતાની આવકનો ૫૦ ટકા હિસ્સો ખાદ્ય વસ્તુઓ પાછળ ખર્ચ કરી રહ્યાં છે. પાકિસ્તાન સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં નાણાકીય ખાધ ઘટાવા તાત્કાલિક પગલાં ભરવાની જરૂર છે. આ અહેવાલ મુજબ ગયા વર્ષમાં પાકિસ્તાનની ૩૭ ટકા વસ્તીની દૈનિક આવક ફકત ૩.૨ ડોલર એટલે કે ૫૮૮ રૂપિયા હતી. આમ છતાં ગરીબીમાં ૩ ટકાનો સુધારો થયો હોવા છતાં હજુ પણ પાકિસ્તાનમાં ગરીબોની સ્થિતિ વધુ વણસી રહી છે.

વર્લ્ડ બેંકના અંદાજ મુજબ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં સરેરાશ ફુગાવો ૧૦.૭ ટકા રહેવાની શક્યતા છે. દક્ષિણ એશિયામાં પાકિસ્તાનનો ફુગાવો સૌથી વધુ છે. આઇએમએફના અંદાજ મુજબ ૨૦૨૨માં પાકિસ્તાનનો જીડીપી ચાર ટકા રહેવાનો અંદાજ છે. જૂન, ૨૦૨૨માં પાકિસ્તાનની ચાલુ ખાતાની ખાધ વધીને જીડીપીના ૫.૩ ટકા થઇ જશે.ચાલુ નાણાકીય વર્ષમાં પાકિસ્તાનની ચાલુ ખાતાની ખાધ વધીને ૧૮.૫ અબજ ડોલરને પાર થવાનો અંદાજ છે.