અમેરિકાએ ગુરુવારે પાકિસ્તાનની જાસૂસી એજન્સી ISIના એક કથિત એકમનો પર્દાફાશ કર્યો હતો. આ એકમ સાથે સંકળાયેલા લોકોએ ઉચ્ચ કક્ષાની સીક્રેટ સર્વિસ સહિત અમેરિકન ગુપ્તચર તંત્ર અને સુરક્ષા વ્યવસ્થામાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, જે પ્રેસિડેન્ટની સુરક્ષાની જવાબદારી સંભાળે છે.
40 વર્ષીય એરિયન તાહેરઝાદેહ અને 35 વર્ષીય હૈદર અલીની દક્ષિણપૂર્વ વોશિંગ્ટનમાં એફબીઆઈ દ્વારા અમેરિકન અધિકારીની ખોટી નકલ કરવાના ફેડરલ ગુનાના આરોપમાં ક્રિમિનલ ફરિયાદના આધારે ધરપકડ કરવામાં આવી હતી. આ મામલો બહાર આવતા સીક્રેટ સર્વિસના ચાર સભ્યોને ફરજિયાત રજા પર મૂકવામાં આવ્યા છે.
ગત ગુરુવારે તેમની કોર્ટમાં હાજરી દરમિયાન, આસિસ્ટન્ટ યુએસ એટર્ની જોશુઆ રોથસ્ટેઇને કોલંબિયા કોલંબિયા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં મેજિસ્ટ્રેટ જજ જી માઇકલ હાર્વેને જણાવ્યું હતું કે, હૈદર અલીએ સાક્ષીઓને જણાવ્યું હતું કે તે, પાકિસ્તાનમાં ઇન્ટર-સર્વિસ ઇન્ટેલિજન્સ એજન્સી સાથે સંકળાયેલો હતો. ફેડરલ લો એન્ફોર્સમેન્ટ અધિકારીઓએ જણાવ્યું હતું કે, અલી પાસે પાકિસ્તાન અને ઇરાન મલ્ટિપલ વિઝા હતા.
રોથસ્ટેઇને ન્યાયમૂર્તિને જણાવ્યું હતું કે, ‘અમે તેણે કરેલા દાવાની સચ્ચાઇ ચકાસી નથી પરંતુ અલીએ સાક્ષીઓ સમક્ષ દાવો કર્યો હતો કે તે પાકિસ્તાની ઇન્ટેલિજન્સ સર્વિસ-ISI સાથે સંકળાયેલો છે.’
તાહેરઝાદેહ અને અલીએ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી સાથેના તેમના ખોટા અને છેતરપિંડીયુક્ત સંબંધોનો ઉપયોગ ફેડરલ લો એન્ફોર્સમેન્ટ અને સરક્ષણ સમૂદાયના સભ્યો સાથે પોતાને જોડવા માટેના પ્રયાસરૂપે કર્યો હતો.
વિશેષમાં તો, તાહેરઝાદેહે યુનાઈટેડ સ્ટેટ્સ સિક્રેટ સર્વિસ (યુએસએસએસ) ના સભ્યો અને ડીએચએસના કર્મચારીને અન્ય વસ્તુઓની સાથે, ભાડા-મુક્ત એપાર્ટમેન્ટ્સ (એપાર્ટમેન્ટ દીઠ 40 હાજર ડોલરથી વધુના કુલ વાર્ષિક ભાડા સાથે), આઈફોન, સર્વેલન્સ સિસ્ટમ્સ, એક ડ્રોન, એક ફ્લેટ-સ્ક્રીન ટેલિવિઝન, રાઇફલને મુકવા માટે વિશેષ બેગ, જનરેટર વગેરે આપ્યા હતા.
તાહેરઝાદેહે આ વ્યક્તિઓને ‘સત્તાવાર સરકારી વાહનો’ તરીકે રજૂ કરવાનો પ્રસ્તાવ પણ આપ્યો હતો. આ ઉપરાંત તેણે, ફર્સ્ટ લેડીની સુરક્ષાની વિગત બદલ યુનાઈટેડ સિક્રેટ સર્વિસ એજન્ટને બે હજાર ડોલરની એસોલ્ટ રાઈફલ ખરીદવાની ઓફર પણ આપી હતી.
ફેડરલ પ્રોસિક્યુટર્સે જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલો બહાર આવતા તેના પરિણામરૂપે સીક્રેટ સર્વિસના ચાર સભ્યોને જ્યાં સુધી વધુ તપાસ ન થાય ત્યાં સુધી ફરજિયાત રજા પર ઉતારી દેવામાં આવ્યા છે.