પાકિસ્તાનના કરાચીમાં આવેલો હ્યુન્ડાઇ સિટી સ્ટોર REUTERS/Akhtar Soomro

પાકિસ્તાનમાં પાંચ ફેબ્રુઆરીએ કાશ્મીર એકતા દિવસની ઉજવણી કરાઈ હતી. આ નિમિત્તે સાઉથ કોરિયાની કાર કંપની-હ્યુન્ડાઇ, કિયા મોટર્સ, ફૂડ ચેઇન-કેએફસી અને પિઝા હટના પાકિસ્તાની યુનિટ દ્વારા ટ્વીટર પર કાશ્મીરની આઝાદી રાગ છેડાયો હતો. એની સામે ભારતીયોમાં સખત નારાજગીના પગલે ઉગ્ર વિરોધ થયો હતો, સોશિયલ મીડિયામાં આ કંપનીઓના બહિષ્કારની માગ થઇ હતી.

આ વિવાદની ગંભીરતા જોતા ભારત સરકારે સોમવારે સાઉથ કોરિયાના એમ્બેસેડર ચેંગ જે બોકને સમન્સ પાઠવ્યું હતું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદર બાગચીએ આ અંગે ટ્વીટર પર જણાવ્યું હતું કે, ‘એમ્બેસેડર જે બોકને સોશિયલ મીડિયા પોસ્ટ ભારતને સંપૂર્ણ રીતે અસ્વીકાર્ય છે તેવું જણાવી નારાજગી વ્યક્ત કરવામાં હતી. આ મુદ્દો ભારતની પ્રાદેશિક અખંડિતતાનો છે અને તે બાબતે કોઇ બાંધછોડ નહીં ચલાવી લેવાય તેવું સાફ જણાવાયું હતું.’ ભારત સરકારના આવા આકરા વલણ પછી મંગળવારે આ મુદ્દે સાઉથ કોરિયાના વિદેશ પ્રધાન ચુંગ યુઇ યોંગે ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર સાથે વાત કરી જણાવ્યું હતું કે, તેમનો દેશ, ભારતના લોકોની લાગણીઓ દુભાઈ તે બદલ દિલગીરી વ્યક્ત કરે છે.

આ વિવાદ ઊભા થયા પછી કેએફસી દ્વારા સોશિયલ મીડિયાના હેંડલ્સ પર માફી માગવામાં આવી હતી. કેએફસીની પાકિસ્તાનસ્થિત ફ્રેંચાઇઝીએ સોશિયલ મીડિયામાં કાશ્મીરના અલગતાવાદીઓનું સમર્થન કરીને લખ્યું હતું કે, ‘કાશ્મીર કાશ્મીરીઓનું છે.’ તેણે માફી માગતા જણાવ્યું હતું કે, ‘અમે આ પોસ્ટ અંગે માફી માગીએ છીએ અને ભારતનું સન્માન કરીને તમામ ભારતીયોની ગર્વથી સેવા કરવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરીએ છીએ.’ જ્યારે પિઝા હટ દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, તેઓ સોશિયલ મીડિયા પર થયેલી પોસ્ટ સાથે સહમત નથી અને તેના સમર્થનમાં પણ નથી.

પાકિસ્તાનમાં હુન્ડાઇ મોટર્સની ફ્રેંચાઇઝીએ પણ કાશ્મીર અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. તેની સામે પણ ટ્વીટર પર લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી. પછી હુન્ડાઇ ઇન્ડિયા લિમિટેડ દ્વારા એક નિવેદનમાં જણાવાયું હતું કે, તેઓ રાષ્ટ્રીય સન્માનના વિચાર સાથે જોડાયેલા છે. હ્યુન્ડાઈની પહેલી માફી થોડી અસ્પષ્ટ રહ્યા પછી લોકોનો વિરોધ વધુ ઉગ્ર બન્યો હતો અને તેના પગલે કંપનીએ મંગળવારે વધુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, કંપનીની પોલીસી જ કોઈ દેશના રાજકીય કે રાજદ્વારી મુદ્દે, નીતિ બાબતે દખલ નહીં કરવાની છે, જે થયું તે અંગે તે માફી માંગે છે.’ જોકે, કિયા મોટર્સે મંગળવારે સાંજ સુધી કોઈ સત્તાવાર પ્રતિભાવ આપ્યો નહોતો.